પોરબંદર: જિલ્લામાં છેલ્લા 6 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે જિલ્લાનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ 40 ઇંચ જેટલો છે ત્યારે પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસના વરસાદ પડવાના કારણે અને ડેમના પાટીયા ખોલવાના કારણે ઘેડ વિસ્તારમાં પાણી ફરી વળે છે અને લોકો તથા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં પાણી ભરાઇ જવાના કારણે રસ્તા બ્લોક થઈ ગયા હોય તેવા જિલ્લાના કુલ 25 જેટલા ગામ સંપર્ક વિહોણા હોવાનું આજે વહીવટી તંત્રએ જણાવ્યું હતું અને ગામડામાં ફસાયેલા લોકો માટે સ્થળાંતરિત કરી શેલ્ટર હોમ પણ ખોલવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા ભોજન પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
પોરબંદરના ગામડાઓ બન્યા સંપર્ક વિહોણા: પોરબંદર જિલ્લામાં વરસાદની પરિસ્થિતિ અંગે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને એક પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં પોરબંદર જિલ્લામાં અંદાજિત 40 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પડ્યો છે અને પોરબંદર જિલ્લાના 25 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે. વરસાદી પાણી ભરાઈ જવાના કારણે પોરબંદર તાલુકાના 8 ગામ સંપર્ક વિહોણા થયા છે. જેમાં એરડા, દેરોદર, ભડ, કેશોદ, લુશાળા, મિત્રાળા અને મંડેર તથા ગરેજનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાણાવાવ તાલુકાના 9 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં બોરડી ,પાદરડી જાંબુ, દૈયર બાપોદર ,કેરાળા, વડદર, મહીરા અને નેરાણાનો સમાવેશ થાય છે. જ્યારે કુતિયાણા તાલુકાના 8 ગામ સંપર્ક વિહોણા બન્યા છે. જેમાં રેવદ્રા, તરખાઈ ,અમીપુર, છત્રાવા, જમરા અને કાસાબડનો સમાવેશ થાય છે.
ડેમમાં પાણી છોડવાથી ગામોમાં પાણી ફરી વળે છે: જિલ્લા કલેકટરે મીડિયાને જણાવ્યું હતું કે, પોરબંદર તથા ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમ છલકાયા હોય છે. જેનું પાણી છોડવામાં આવતા પોરબંદર સહિતના આસપાસના ગામોમાં પાણી ફરી વળે છે. તેના ઉપર સતત વહીવટી તંત્રની નજર રાખવામાં આવે છે. પાણી કેટલું છોડવામાં આવે છે અને ડેમના કેટલા પાટીયા ખોલવામાં આવે છે તે અંગે પણ સતત નિરીક્ષણ રાખવામાં આવતું હોય છે આ બાબતમાં પોલીસ વિભાગ ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચને પણ સૂચના આપી રહી છે અને જરૂર પડે ત્યાં ઘણી વખત ટેમ્પરરી રસ્તાઓ બંધ થતા હોય છે અને ફરીથી ખોલવામાં આવતા હોય છે.
વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર: ખેડ વિસ્તારના હાલ 14 ગામો સહિત પોરબંદર જિલ્લાના 25 ગામો માં રસ્તામાં પાણી ભરાઈ જવાના કારણે સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર નજર રાખી આશ્રય સ્થાનોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને અનેક લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે. સ્થળાંતરિત કરવામાં આવેલ લોકો માટે ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે હેલ્થ ઓફિસરની પણ ટીમને જવાબદારી સોંપવામાં આવી છે. આમ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્રએ સજ્જ હોવાનું જણાવ્યું હતું.