મહીસાગર: જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ગત રાત્રીએ વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો હતો. ગત રાત્રીએ જિલ્લાના ઘણા તાલુકાઓમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા. કડાણા, ખાનપુર, બાલાસિનોર અને લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો સંતરામપુર તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.
મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ગત રાત્રીના સમયે મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર, કડાણા તેમજ બાલાસિનોરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા. ચોમાસુ શરૂ થયા બાદ આજે જિલ્લામાં સારો વરસાદ વરસતા ખેડૂતો ખેતી કામમાં જોતરાશે. જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ બાદ જિલ્લાવાસીઓને ગરમીથી પણ છુટકારો મળ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગત રાત્રીએ મહીસાગર જિલ્લામાં કડાણા, ખાનપુર અને બાલાસિનોર શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સમગ્ર જિલ્લામાં દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયુ રહ્યું હતું. રાત્રીના સમયે એકાએક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખાનપુર, કડાણા અને બાલાસિનોર શહેરના માર્ગો પાણી પાણી થયા હતાં. લુણાવાડાના માંડવી બજાર, હાટડીયા બજાર, હુસેની ચોક તેમજ બાલાસિનોરમાં પટેલવાડા, રાજપુરી દરવાજા, જૂના બસસ્ટેશન, સલિયાવાડી દરવાજા વિસ્તારમાં ઢીંચણ સમાં પાણી વહી રહ્યાં હતા. ગત રાત્રીએ મહીસાગર જિલ્લામાં મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા. કડાણા તાલુકામાં 3.5 ઇંચ વરસાદ, ખાનપુર તાલુકામાં 2.5 ઇંચ વરસાદ, બાલાસિનોર તાલુકામાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.