જૂનાગઢ: પાછલા ત્રણ દિવસના સમયમાં જુનાગઢ બીજી વખત પાણી પાણી થયેલું જોવા મળતું હતું. આજે દિવસ દરમિયાન તડકો અને વાતાવરણ ચોખ્ખું જોવા મળતુ હતુ, ત્યારે સાંજના 7:00 વાગ્યાની આસપાસ શહેરના વાતાવરણમાં અચાનક જોરદાર પલટો આવ્યો અને સાંબેલાધાર વરસાદ તૂટી પડ્યો હતો. સવા કલાક જેટલા સમયમાં અતિભારે પડેલા વરસાદને કારણે જુનાગઢ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી જોવા મળતા હતા.
સવા કલાકમાં છ ઇંચ વરસાદ: આજે સવા કલાકમાં જ ગિરનાર પર્વત પર 6 ઈંચ કરતા પણ વધારે વરસાદ ખાબક્યો હતો. જેને કારણે ભવનાથ વિસ્તારમાં બીજી વખત પાણી-પાણી થયેલું જોવા મળતું હતું. ભારતી આશ્રમ ભવનાથ મંદિર સહિત સમગ્ર ભવનાથ વિસ્તારમાં જાણે કે નદીનો પ્રવાહ ચાલ્યો જતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુનાગઢ વાસીઓને ભવનાથમાં ન જવા અને જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે તેમાં સાવચેતી પૂર્વક દૂર રહેવાની અપીલ પણ લોકોને કરવામાં આવી હતી. સદનસીબે સવા કલાક જેટલા સમય બાદ વરસાદ સંપૂર્ણ પણે બંધ થઈ જતા જુનાગઢ વાસીઓએ જાણે કે હાસકારો મેળવ્યો હતો.
અતિભારે વરસાદને કારણે જળાશયો છલકાયા: આજે જુનાગઢમાં પડેલા અતિભારે વરસાદને કારણે વંથલી ઓઝત વિયર 2, વિસાવદરનો આંબાજળ, જૂનાગઢમાં આવેલો વેલિંગ્ટન ડેમ અને ભવનાથમાં આવેલ દામોદર કુંડમાં પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળતો હતો. જેને કારણે વંથલી ઓઝત વિયર ડેમના બાર દરવાજા 1.20 મીટર ખોલવામાં આવ્યા છે. જેને કારણે વંથલી તાલુકાના ટીનમસ, કણજા, આખા ટીકર, પાદરડી ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર નહીં કરવા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
નીચાણવાળા વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ: તો બીજી તરફ વિસાવદરમાં આવેલા આંબાજળ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવતા નિચાણવાળા ગામો જાંબુડી, સતાધાર, ચાપરડા, નવી ચાવંડ અને ખીજડીયા ગામના લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં અવરજવર ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે, તેવી જ રીતે ઓજત 2 ડેમ પણ સંપૂર્ણપણે ભરાઈ જતા તે પણ ઓવરફ્લો થયો છે, જેને કારણે નીચાણવાળા ગામો જેમકે બાદલપરા, બેલા, રામેશ્વર, પ્રભાતપુર, મેવાસા, આણંદપુર અને ઇટારા ગામના લોકોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ ઓજત નદીના પટ્ટમાં આવેલા વંથલી તાલુકાના સુખપુર, રાયપુર, સોનારડી, ગાંઠીલા, ધણફુલીયા અને શાપુર ગામમાં પણ સાવચેતીના પગલાં લેવા લોકોને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: