બનાસકાંઠા: જિલ્લામાં રાત્રી દરમિયાન લાંબા વિરામ બાદ પડેલા ધોધમાર વરસાદથી વડગામ તાલુકાના જલોત્રા ગામે વાહનો માટીમાં દટાયા હતા. હાઇવે નજીક ઓટો કન્સલ્ટમાં ઊભા રાખવામાં આવેલા વાહનો માટીનું ધોવાણ થતા માટીમાં જ દટાયા હોવાની ઘટના બની છે.
જલોત્રા ગામની ઘટના: સમગ્ર ઘટનાની વાત કરીએ તો, જલોત્રા હાઈવે પર વરસાદને કારણે માટીનું ધોવાણ થયુ હતું. હાઈવે નજીક જ ઓટો કન્સલ્ટ આગળ પડેલા વાહનો નીચેથી ભારે વરસાદના કારણે માટીનું ધોવાણ થયુ હતુ હતું. જેના કારણે વાહનો તણાયા હતા. આ ઘટનામાં 3 જીપ માટીમાં દટાઈ ગઈ હતી. વાહનો દટાતા વાહનોને નુકશાન થયું છે. જોકે સવારે જાણ થતા વાહન માલિકો અને સ્થાનિકોએ માટીમાં દટાયેલા વાહનો બહાર નીકળવાની કામગીરી હાથ ધરી છે. આમાં વાહન માલિકોને નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.
જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 53 અને દાંતીવાડા 46 એમએમ વરસાદ નોંધાયો હતો. જોકે અમીરગઢમાં 31, ડીસામાં 30 અને ધાનેરામાં 32 એમએમ વરસાદ નોંધાયો છે. દાંતા અને વડગામમાં 67 એમએમ વરસાદ પડ્યો હતો. રાત્રીના 2 વાગ્યાથી સવારના 4 વાગ્યા સુધી જિલ્લાના અલગ અલગ વિસ્તારમા ધોધમાર વરસાદ પડ્યો હતો.
પાણી ભરાઈ જવાથી સ્થિતિ: બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદથી ઠેર ઠેર નીચાણાના વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેના કારણે લોકોને ભારે હાલાકી પડી હતી. ભારે વરસાદના કારણે પાલનપુરના બિહારીબાગ અને ગઠામણ પાટિયા ખાતે ઢીંચણ સમા પાણી ભરાયા હતા જેથી આસપાસના ગામલોકોને આવવા જવામાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી.