વડોદરા: વડોદરા જિલ્લામાં 80 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવને જનજીવન ખોરવાઈ દીધું છે. તો બીજી તરફ ખેડૂતોને માથે હાથા દેવાનો વારો આવે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે. ખેડૂતોએ કેળ, બાજરી અને કેરીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ અચાનક આવેલા વાવાઝોડાએ ખેડૂતોને ચિંતિત કરી દિધા છે. આ વાવાઝોડાથી ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. જાણવા મળતી માહિતી મુજબ કેળના પાકને 45 ટકા જેટલું નુકસાન હોવાનું જાણવા મળ્યું હતું. વાવાઝોડા માત્ર કેળના પાકને જ નહી પરંતુ બાજરી, મગ અને કેરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન કર્યું છે.
ખેડૂતોને માથે હાથ દેવાનો વારો : કેળના વાવેતર કે જેમાં 14 મહિનાના આ પાકમાં ખેડૂત ખાતર, પાણી, દવાનો ખર્ચ કરીને પાક તૈયાર કરે છે, ત્યારે તૈયાર થયેલો પાક મે-જૂન મહિનામાં ઉતારવાનો હોય છે. પરંતુ આફતરૂપી આવેલા આ વાવાઝોડાએ તૈયાર થયેલા પાકને નિષ્ફળ બનાવ્યો છે. તો બીજી તરફ બાજરીના વાવેતરની દુર્દેશા જોવા મળે છે. માત્ર 20 મિનિટના વાવાઝોડાએ ખેડૂતોના એક વર્ષની મહેનતને તહસ નહસ કરી નાખી છે. આ ઉપરાંત વડોદરા જિલ્લાના વાઘોડિયા, ડભોઇ, શિનોર તાલુકાના વિસ્તારોમાં આંબા ઉપરથી મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી છે. જેથી આંબા વાડિયા ધરાવતા ખેડૂતોની હાલત અંત્યત કફોડી બની ગઈ છે. તેમજ એરંડા અને શેરડીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આવા સમયએ ખેડૂતો આશા રાખીને બેઠેલા છે કે, "સરકાર સર્વે કરી સહાય મૂડી ચુકવે. જો સરકાર વહેલી તકે સહાય મૂડી નહીં ચૂકવે તો ગરીબ ખેડૂત દેવાના ડુંગર તળે દબાય તેવી પરિસ્થિતિઓ સર્જાય છે.
ઉપરાંત શહેરની આસપાસ આવેલા સોખડા, છાણી, દશરથ, મોતિયાપુરા, લાલપુરા મિરસાપુરા અને સાંકરદા સહિતના અનેક ગામોમાં કેળ અને બાજરીના પાકને નુકશાન થયું છે.
કેરી,જૂવાર,દિવેલાના પાકને નુકસાન: ડભોઇ તાલુકાના વસઈ ગામના ઘનશ્યામભાઈ પટેલ જે પોતે ખેડૂત છે, તેમણે જણાવ્યું હતું કે, અચાનક હવામાન ખાતાની કોઈ આગાહી વગર જ આવેલા વાવાઝોડાએ 20 થી 25 મિનિટમાં ખેડૂતોને ચિંતાતુર કરી દીધા હતા. અને ભારે નુકસાનમાં ઉતારી દીધા છે. શિનોર તાલુકાના દિવર ગામના ખેડૂતોને પણ કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કરજણ અને શિનોર તાલુકામાં 500 એકર જમીનમાં ખેડૂતોએ આંબાનું વાવેતર કર્યું છે. તે તમામ ખેડૂતો હાલ ભારે નુકસાન ભોગવી રહ્યા છે.