સુરત : શહેરમાં ભીષણ ગરમી અને હીટ સ્ટ્રોકના કારણે છેલ્લા 24 કલાકમાં 11 લોકો મૃત્યુ પામ્યા છે. કાળઝાળ ગરમીના કારણે જે સ્થિતિ સર્જાય છે તેને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર ડોક્ટર નીલમ પટેલ આજે સુરતની મુલાકાતે હતા. ડો. નીલમ પટેલે સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ સહિત આરોગ્ય વિભાગના ડોક્ટરો અને અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી.
24 કલાકમાં 11 મોત : હવામાન વિભાગ દ્વારા આગામી 27 મે સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસથી સુરતમાં કાળઝાળ ગરમી પડતા જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઓરેન્જ એલર્ટ હોવાથી હીટસ્ટોકની શક્યતા પણ વધી જવા પામી હતી. આ આકરી ગરમી વચ્ચે છેલ્લા 24 કલાકમાં અચાનક બેભાન થવાથી, ખેંચ આવવાથી અને તાવ આવવાથી કુલ 11 લોકોના મોત નીપજ્યા છે.
આરોગ્ય વિભાગ દોડતું થયું : સુરતમાં ભીષણ ગરમીથી જે સ્થિતિ સર્જાઈ છે તેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગના એડિશનલ ડિરેક્ટર ડોક્ટર નીલમ પટેલ સુરતની મુલાકાતે આવ્યા હતા. તેઓએ સરકારી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સિવિલ હોસ્પિટલમાં મીટીંગ યોજી હતી. ઉપરાંત આવી પરિસ્થિતિમાં શું તકેદારી રાખવી અને લોકોને યોગ્ય સમયે સારવાર મળી રહે આ માટેની ચર્ચા વિચારણા કરી હતી. તેમણે જણાવ્યું કે, ચાર-પાંચ જિલ્લામાં ગરમીની અસર સૌથી વધારે છે. જેના કારણે કેસમાં પણ વધારો નોંધાયો છે. હીટસ્ટ્રોકની ઘટના વધી છે.
એક દિવસમાં 224 કેસ નોંધાયા : ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં હીટવેવ રિલેટેડ જે ઇમર્જન્સીના કેસો આવતા હતા તેના પર અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છે. એપ્રિલ મે મહિનાની શરૂઆતમાં 50 થી 60 કેસ પ્રતિ દિવસ મળતા હતા. ક્રમશઃ જેમ ગરમીનું પ્રમાણ વધતું ગયું તેમ તેમ કેસની સંખ્યા પણ વધતી ગઈ. જે 80- 90 એવરેજ ઉપર આવી ગયા હતા. છેલ્લા ચાર દિવસથી ખૂબ ભયંકર તાપમાન વધી રહ્યું છે. જેના કારણે 108 ઈમરજન્સી સેવાને 188 થી વધુ કોલ મળી રહ્યા હતા. 23 મેના રોજ 224 કેસ નોંધાયા હતા. સુરતમાં ગરમીના કારણે હીટસ્ટોકના લક્ષણથી 10 લોકોના મોત નીપજ્યા છે. જોકે હાલ ચોક્કસ કારણ શું છે તે અંગેની પણ તપાસ ચાલી રહી છે.
મૃતકોના નામ :
- જગા તોતારામ ઠાકુર (ઉંમર 45, ઉધના)
- અજાણ્યો પુરુષ (ઉંમર 58)
- ઈમરાન મન્સુર મલિક (ઉંમર 40, સગરામપુરા)
- પ્રદીપ વર્મા (ઉંમર 38, પાંડેસરા)
- ભોલા પાંડે (ઉંમર 54, સચિન)
- વિનોદ દેવાલાલ શાહુ (ઉંમર 40, ભાઠેના)
- ધર્મેશ મુકેશ રાઠોડ (ઉંમર 31, અલથાણ)
- કિરણ ભગવતી વૈષ્ણવ (ઉંમર 38, ડિંડોલી)
- અશોક દયારામ ગુલાબાટી (ઉંમર 43, રાંદેર)
- અરૂણ નાનુ વણજારા (ઉંમર 36, લિંબાયત)
- અશોક નગીન ગામીત (ઉંમર 36, સરસાણા)