જૂનાગઢ : પ્રચંડ ગરમીના મોજા તળે સમગ્ર ગુજરાત તપી રહ્યું છે. આવા સમયે વ્યક્તિઓ પોતાની અનુકૂળતા મુજબ ગરમીથી બચવાના પ્રયાસો કરી શકે છે પરંતુ પક્ષીઓ આવી પ્રચંડ ગરમીમાં ખૂબ જ મુશ્કેલીમાં જોવા મળતા હોય છે તેને ધ્યાને રાખીને જૂનાગઢના પક્ષી પ્રેમીઓ દ્વારા અનોખી રીતે પક્ષી સેવા કરવામાં આવી રહી છે.
ચારો અને પાણીની વ્યવસ્થા : દિવાન ચોકમાં પાછલા 20 વર્ષથી પ્રતિ દિવસ સવારના છ થી નવ દરમિયાન કબૂતરોને મકાઈ ચણા જુવાર અને પીવાનું પાણી નિયમિત રીતે પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આકરી ગરમીને પગલે પક્ષીઓને દિવસ દરમિયાન ખોરાક અને પાણીની કોઈ કમી ન ઊભી થાય તે માટે પણ આ પક્ષી પ્રેમીઓ વિશેષ વ્યવસ્થા કરીને ગરમીના આ સમયમાં પક્ષીઓને ટાઢક મળે તેવું સેવા કાર્ય કરી રહ્યા છે.
જૂનાગઢમાં પક્ષી પ્રેમીઓ કરે છે સુરક્ષા : પક્ષીઓને ચણ અને પીવાનું પાણી નાખી દીધા બાદ આ પક્ષી સેવા પૂરી થતી નથી. હજારોની સંખ્યામાં દિવાન ચોકમાં પક્ષીઓ ચણ અને પીવાના પાણી માટે સવારના ચાર કલાક આવતા હોય છે. આવા સમયે કોઈપણ પક્ષીને શ્વાન કે અન્ય પ્રાણીઓ દ્વારા નુકસાન કે તેનો શિકાર કરવામાં ન આવે તે માટે સતત સવારના પાંચથી નવ વાગ્યા સુધી પક્ષીઓ માટે ચણ અને પીવાનું પાણીની વ્યવસ્થા કરતા સ્વયંસેવકો સ્થળ પર હાજર રહેતા હોય છે. જેને કારણે આ વિસ્તારમાં જ્યાં સુધી કબૂતરો હાજર હોય છે ત્યાં સુધી એક પણ શ્વાન કે અન્ય શિકારી પ્રાણીઓ આવ્યા નથી. અત્યાર સુધીમાં કોઈ પણ કબૂતરનો શિકાર ચણ દરમિયાન થયો હોય તેવી ઘટના પણ ઘટી નથી. પક્ષી પ્રેમીઓની આ મહેનત આજે સેવાની સાથે પક્ષીઓને સુરક્ષા પણ પૂરી પાડી રહી છે.