કચ્છઃ સામખિયાળીમાં 31 જાન્યુઆરીના રોજ મૌલાના અઝહરીએ એક ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં ભાષણ આપ્યું હતું. આ કાર્યકમમાં આપેલ ભાષણનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ પુરાવા મેળવીને સામખિયાળી પોલીસ મથકે આયોજક મામદખાન મુર તથા મૌલાના સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.હેટ સ્પીચ મામલે આજે ભચાઉ કોર્ટમાં આરોપી મૌલાના અઝહરીને રજૂ કરાયો હતો. ભચાઉ કોર્ટે પોલીસે માંગેલા 14 દિવસના રિમાન્ડને બદલે 3 દિવસના રિમાન્ડને મંજૂરી આપી. હવે રવિવાર સુધી મૌલાના સામખિયાળી પોલીસના જાપ્તામાં રહેશે. જ્યાં પોલીસ તેની વધુ પુછપરછ હાથ ધરશે.
પૂર્વ કચ્છ પોલીસની કાર્યવાહીઃ પૂર્વ કચ્છ પોલીસે સામખિયાળી પોલીસ મથકે નોંધેલ ફરિયાદ મુજબ મુફ્તી સલમાન અઝહરીનો કબ્જો મેળવવા ગત રાત્રે રાજકોટ પહોંચી હતી. રાત્રે ટ્રાન્સફર વોરંટથી મુફ્તી સલમાન અઝહરીનો કબજો મેળવીને વહેલી સવારે મુફ્તી સલમાન અઝહરી સાથે પૂર્વ કચ્છ પોલીસ સામખિયાળી પહોંચી હતી. અહીં પ્રાથમિક પુછપરછ બાદ મૌલાના સલમાન અઝહરીને પણ ભચાઉ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં રેન્જ આઈ.જી. સહિત પોલીસના અધિકારી અને કર્મચારીનો કાફલો તૈનાત રહ્યો હતો.
3 દિવસના રિમાન્ડનો આદેશઃ પોલીસના 14 દિવસના રિમાન્ડની માંગણી સામે કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જે 11 તારીખના બપોરના 3 વાગ્યે પૂર્ણ થશે. રિમાન્ડ દરમિયાન આરોપીની સઘન પુછપરછ કરવામાં આવશે અને આગમી સમયમાં આ બાબતે વધુ ખુલાસા થવાની શક્યતા પણ રહેલી છે.
આયોજક આરોપીના 2 દિવસના રિમાન્ડના આદેશઃ ભડકાઉ ભાષણ મામલે મુફ્તી સલમાન અઝહરી અને આયોજક વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં ગઈ કાલે સામખિયાળી પોલીસ દ્વારા આયોજક મામદખાન મુરની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મામદખાન મુરને સાથે રાખીને સ્થળ પર રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. ગઈ કાલે બપોરે આયોજક આરોપી મામદ ખાન મૂરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીના 2 દિવસના (9/2/24/ના સાંજના 4 વાગ્યા સુધીના) રિમાન્ડ મંજૂર કર્યા હતા.