ગાંધીનગર : આ નવરાત્રી ગુજરાતીઓ માટે ખાસ બનવાની છે, કારણે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગરબા રમવાના સમયમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ETV Bharat સાથે વાતચીતમાં આ વાતની પુષ્ટી કરી છે.
સવારે 5 વાગ્યા સુધી ગરબા ચાલુ રહેશે ? નવરાત્રીના નવ દિવસ ગરબે ઘૂમવા ગુજરાતીઓના પગ થનગની રહ્યા છે. પણ ઘટે તો ફક્ત સમય ઘટે, આવું જ કંઈ ખેલૈયાઓ સાથે થાય છે. જોકે આ વર્ષની નવરાત્રીએ હવે ગરબા પ્રેમી ગુજરાતીઓનો આનંદ બેવડાશે. કારણ કે, આ વર્ષે નવરાત્રીમાં તમામ ગરબા આયોજન મોટી રાત સુધી ચાલુ રહેશે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વાતની પુષ્ટી કરી : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ETV Bharat ગુજરાતના એડિટર મયુરિકા માયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા આ વાતની પુષ્ટી કરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવા અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી, પરંતુ આ વર્ષે ગુજરાતી મોડી રાત સુધી ગરબે ઘૂમી શકશે.
ગરબા આયોજન માટે સમયમર્યાદા શું ? નોંધનીય છે કે, અગાઉ ગુજરાત સરકાર દ્વારા ગરબા આયોજન માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના પરિપત્ર અનુસાર રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા આયોજન ચાલુ રાખી શકાશે. જોકે, ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતીઓ વહેલી સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે તેવી માહિતી હતી. પરંતુ એ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ સમય નક્કી કરવામાં કે નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે એવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતીઓ આખી રાત ગરબા રમી શકે તો કોઈ વાંધો નહીં હોય શકે.