વડોદરાઃ તાજેતરમાં જ હરણી બોટ દુર્ઘટનાથી સમગ્ર ગુજરાત ધૃજી ઉઠ્યું હતું. વડોદરા જિલ્લામાં ફરીથી આવો જ એક જોખમી પ્રવાસ વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યો છે. પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળાના વિધાર્થીઓને કોઈ પણ પ્રકારની સુરક્ષા વિના પોરબંદરના દરિયાની તીવ્ર લેહરો સાથે રમવા દેવામાં આવ્યા હતા. આ જોખમી પ્રવાસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા હડકંપ મચી ગયો છે.
દરિયા કિનારે જ્ઞાન!?!?!?!?: આ બનાવને પગલે etv bharatના પ્રતિનિધિએ સાદરા પ્રાથમિક શાળાનાં આચાર્ય નિખિલભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આચાર્યએ જણાવ્યું કે, અમે 60 ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ ગયાં હતા. તે સમયે અમારી સાથે 5 શિક્ષકો હાજર હતા. અમે વિદ્યાર્થીઓને દરિયા કિનારે જ્ઞાન અને સમજણ માટે લઈ ગયા હતા. જો કે મહત્વની વાત એ છે કે, આ માસુમ બાળકોને જીવના જોખમે દરિયા કિનારે એવું તો કહ્યું જ્ઞાન અપાવવા માટે લઈ ગયા હતા ? શિક્ષકોએ પોતાની ભૂલને ઢાંકવા માટે બાળકોનાં જ્ઞાનની વાત કરી. શું કોઈ હોનારત સર્જાતતો તેના જવાબદાર કોણ ? હાલ વડોદરા ખાતે બનેલી બોટની દુર્ઘટનાની શાહી હજી સૂકાઈ નથી. કયારેક ભયંકર ભૂલનો ભોગ માસુમ બાળકોએ બનવાનો વારો આવે છે.
જવાબદાર અધિકારીનો ફોન ડેડઃ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણા અધિકારીની કચેરીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. તેમનો ટેલીફોન નંબર 0265 2436411 સતત છેલ્લા 2 દિવસથી બંધ હોવાને કારણે જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેનો સંપર્ક થઈ શક્યો ન હતો. જો આવા વહીવટી તંત્રના ટેલીફોન નંબર મૃત અવસ્થામાં રહે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો કોનો સંપર્ક કરવો જેવાં મોટા સવાલો ઊભા થયા છે.
આ ઘટનાને લઈને જવાબદાર શિક્ષકો સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ તેઓએ આ ગંભીર ભૂલ કરી હશે તો તે અંગે પણ તેઓ સાથે વિગતે ચર્ચા કરી જવાબદાર અધિકારીને શિક્ષાત્મક પગલાની નોટિસ આપી તેનો ખુલાસો માગવામાં આવશે...જિગ્નેશભાઈ(ચેરમેન, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વડોદરા)
હરણી દુર્ઘટનામાંથી બોધપાઠ 'ના' લીધોઃ વહીવટી તંત્રની ભૂલના કારણે વડોદરામાં હરણી બોટની દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનાને વહીવટી અધિકારીઓ માત્રને માત્ર સામાન્ય ગણી હોય એવું લાગે છે. ૧૨ જેટલા માસુમ બાળકોના જીવ ગયા હતા તે દુર્ઘટનાને શું સામાન્ય ગણી શકાય? છતાં પણ શિક્ષણ ક્ષેત્ર અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી, અણઘડ વહીવટ ક્યારે સુધરશે ? શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક પગલાં લેવાની લોક માંગણી થઈ રહી છે.