અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં સરકાર દ્વારા રજૂ કરાયેલા ઈન્કવાયરી રિપોર્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તપાસ પેનલ દ્વારા દોષિત જાહેર થયા હોવા છતાં સરકાર તત્કાલીન મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નરને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
કૂલ 14ના મૃત્યુઃ 18 જાન્યુઆરીએ હરણીના મોટનાથ તળાવમાં બોટ પલટી જતાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા હતા. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેંચ આ ઘટના અંગે દાખલ કરાયેલી સુઓમોટુ પીઆઈએલની સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા સીલબંધ કવરમાં સબમિટ કરેલા તપાસ અહેવાલને ધ્યાનમાં લીધા પછી કહ્યું કે, ઈન્કવાયરી રિપોર્ટમાં તત્કાલીન મનપા પ્રમુખને બચાવવાનો પ્રયાસ કરાયો છે.
આગામી સુનાવણી 4થી જુલાઈએઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને લેકફ્રન્ટ પ્રોજેક્ટના જાળવણી અને સંચાલન માટે કોટિયા પ્રોજેક્ટ્સને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેના ભાગીદારોની પાછળથી ધરપકડ કરવામાં આવી હતી. 25મી એપ્રિલે થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરને 2015-16માં ગેરકાયદેસર રીતે હરણી લેકફ્રન્ટ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું નોંધતા વિભાગીય તપાસનો આદેશ આપ્યો હતો . VMC વેબસાઇટ પર પ્રમુખોના કાર્યકાળના ચાર્ટ મુજબ એચ એસ પટેલ 25 ફેબ્રુઆરી, 2015 અને 23 જૂન, 2016 વચ્ચે મ્યુનિસિપલ કમિશ્નર હતા. એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રિપોર્ટનો અભ્યાસ કર્યો ન હોવાથી, બેન્ચે તેમને એક નકલ આપવાનો આદેશ આપ્યો. કેસની આગામી સુનાવણી 4 જુલાઈએ થશે.