અમદાવાદઃ કોઈ માવતર એકલું જીવન ગુજારતું હોય, ઘરની બહાર તહેવારોનો ઉલ્લાસ હોય, બાળકો ફટાકડા ફોડતા હોય, યુવાનો દિવા પ્રગટાવી અજવાળું ફેલાવતા હોય ત્યારે આ માવતરના અંતરમનમાં કેટલું એકલાપણાનું અંધકાર હશે તેનો વિચાર કરતા જ આંખ ભરાઈ જાય તો તેવા મનમાં અજવાળું ફેલાય તેવા પ્રયત્નો કેમ ના કરીએ? બસ આવા જ એક વિચાર સાથે ગુજરાતના અમદાવાદની પોલીસે આવું એકલવાયું જીવન જીવતા વડીલોને મળવા જવાનું નક્કી કર્યું અને એ પણ મોંઢા પર સ્મિત, આંખોમાં તેમને મળવાની ખુશી અને હાથમાં મીઠાઈ સાથે.
મણિનગર પોલીસ સાથે જોડાઈ She Team: અમદાવાદના મણીનગર વિસ્તારમાં રહેતા આવા ઘણા વડીલોને ત્યાં હમણાં કેટલાક દિવસથી પોલીસ દરવાજા ખટખટાવી રહી છે અને વડીલોને આપી રહી છે દિવાળીની શુભકામનાઓ. આ અંગે જાણકારી આપતા અમદાવાદના જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, અમદાવાદ પોલીસ કમિશનર અને ઈન્ચાર્જ સંયુક્ત કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 દ્વારા સામાન્ય લોકોના મનમાં પોલીસની સારી છબી ઉપસે તે માટે 'પોલીસ પ્રજાનો મિત્ર' એ સૂત્ર સાાર્થક કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઈ ડી પી ઉનડકટ, પીએસઆઈ એસ આઈ પટેલ, પો.કો. અર્જુનસિંહ સાથે She Team ના મહિલા પો.કો. કોમલબેન, નીરુબેન, હેમલતાબેન સહિતનો સ્ટાફ આગામી સમયમાં દિવાળીના તહેવારને લઈને મણિનગર વિસ્તારની જુદી જુદી સોસાયટીઝમાં રહેતા અને એકલવાયું જીવન ગુજરાતા સિનિયર સિટિઝન્સને મળી તેમની ખબર અંતર પુછવામાં આવે છે. તેમના કોઈ પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરાય છે. પોલીસ પણ તેમનો પરિવાર જ છે તેવો અહેસાસ આપી તેમને મીઠાઈઓથી મોંઢું મીઠું કરાવાય છે અને દિવાળીની શુભકામનાઓ અપાય છે.
'કોઈ કામ પડે તો સંપર્ક કરજો...' તેમણે વધુમાં કહ્યું કે, દિવાળીના તહેવારમાં વડીલોને મણિનગર પોલીસનો આ એક અલગ જ અનુભવ થયો હતો. તેનાથી સિનિયર સિટીઝન ખુશ થઈ ગયા હતા અને ભાવ વિભોર થઈ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસે પણ સામે પોતાની ફરજ છે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. ઉપરાં જ્યારે પણ કાંઈ કામ પડે તો સંપર્ક કરવા જણાવ્યું હતું. પોલીસે આવી અસંખ્ય વ્યક્તિઓ પ્રત્યે પરિવારજનો જેવી લાગણી દર્શાવી છે.