વડોદરા: આપણા શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, માતા-પિતા જન્મ આપે છે. શિક્ષક શિક્ષણ આપે છે, અને ગુરુ હંમેશા વિઘ્ન રહીત જીવન જીવવા માટેના આદર્શ સંસ્કારોનું સિંચન કરે છે. જેના દ્વારા સર્વ જીવંત તત્વો પોત-પોતાની જિંદગી સુખ શાંતિથી જીવી શકે છે.
શાસ્ત્રોક્ત વિધિ સાથે ગુરૂ પૂજન કરાયું: ગુરુ બ્રહ્મા.... ગુરુ વિષ્ણુ.... ગુરુ દેવો મહેશ્વર.... ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ... તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃ'ની ભાવનાઓને વ્યક્ત કરીને ગુરૂ પૂજન કરી ગુરુની કૃપા પામવાનું મહાપર્વ એટલે ગુરુ પૂર્ણિમા. આ દિવસે ડભોઈ નગરનાં ઐતિહાસિક બદ્રીનારાયણ મંદિર, સ્વામિનારાયણ મંદિર, ટીંબી ફાટક પાસે આવેલ હનુમાનજી મંદિર ખાતે તેમજ વેગાના હનુમાન સંકુલમાં, તાલુકાનાં ચનવાડા ગામે શ્રી દાદુરામના આશ્રમ, ડભોઇ નાદોદીભાગોળ સ્થિત આવેલ શ્રી હરિહર આશ્રમ ખાતે તથા અન્ય આશ્રમમાં અને વિવિધ ધાર્મિક સ્થળો ઉપર ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુ પૂજનના શ્રદ્ધાપૂર્વક વિવિધ કાર્યક્રમો સંપન્ન થયાં હતાં.
ગુરૂનું માનવીના ઘડતરમાં મહત્વનું સ્થાન: ભારતીય પ્રણાલીકા મુજબ ગુરુ તેમના શિષ્યોને અજ્ઞાનથી જ્ઞાન તરફ, અધર્મથી ધર્મ તરફ, અસત્ય થી સત્ય તરફ અને અંધકારથી પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવે છે. જ્યારે શિક્ષક તેમના શિષ્ય સમુદાયને શિક્ષણ આપે છે. જેના વડે આજીવિકાનો માર્ગ સરળ બને છે. ગુરુદ્વારા સિંચાયેલા સંસ્કારોથી શિષ્યોના જીવનનું હંમેશા કલ્યાણ થાય છે. આ તમામ બાબતોને જોતા સૌના જીવનમાં ગુરૂનું સ્થાન સૌથી ઊંચું અને શ્રેષ્ઠ જ હોય છે. ડભોઇ વડોદરી ભાગોળ પાસે આવેલ બદ્રીનારાયણ મંદિરનાં મહંત 1008 સુદર્શનાચાર્યજી મહારાજનું પૂજન આજ રોજ સવારના કરવામાં આવ્યું હતું. જેમાં ભક્તજનોએ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક મંત્રોચ્ચાર વડે પૂજન કર્યું હતું. ત્યારબાદ આરતી પણ ઉતારવામાં આવી હતી. દૂર દૂરથી ભક્તો આ મંદિર ખાતે ગુરુ પૂજન કરવા માટે ઉમટી પડ્યા હતા. નીલકંઠેશ્વર સોસાયટીની બાજુમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ સવારથી હરિભક્તો સ્વામીનું પૂજન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. ટીંબી ફાટક પાસે આવેલ હનુમાનજીના મંદિર ખાતે પણ ભક્તો સંતશ્રીનું પૂજન કરવા માટે ઉમટી પડ્યા હતા.
નગરમાં આત્મિય વિધા ધામ બાકરોલના સંતોની પધરામણી: ડભોઇ -દર્ભાવતિ નગરીમાં આત્મીય વિદ્યા ધામ બાકરોલના પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં અને પૂજ્ય શ્રીજી ચરણ સ્વામી અને સાધુ સૌરભ સ્વામીની અને પ્રાદેશિક સંતોની ઉપસ્થિતીમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી હરિપ્રબોધમ પરિવારના હરિભકતો દ્વારા કરવામાં આવી હતી. જેમાં ડભોઇ નગર અને તાલુકા, નસવાડી અને છોટાઉદેપુરના 2000 ઉપરાંત હરિભક્તો ઉપસ્થિત રહયાં હતાં.
તાલુકામાં પણ ધાર્મિક કાર્યક્રમો યોજાયાં: જ્યારે તાલુકાનાં ચનવાડા ગામે આવેલ દાદુરામ મહારાજના આશ્રમ ખાતે ભક્તો પૂજન કરવા માટે મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉમટી પડ્યાં હતાં. ડભોઇ તાલુકાના તેન તલાવ ગામે શ્રી સદગુરુ કબીર આશ્રમ ખાતે પણ ભક્તો ઉમટી પડ્યા હતા આશીર્વાદ મેળવવા માટે ગામેગામથી ભક્તો આજે ઉમટી પડતા મેળા જેવું દ્રશ્ય સર્જાયું હતું. ડભોઇ નાદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમ ખાતે શ્રી વિજય મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી આમ આજનો શુભ અને પવિત્ર દિવસ ગુરુપૂર્ણિમા નો હોય ખાસ ધાર્મિક વાતાવરણમાં શ્રદ્ધાપૂર્વક ગુરુ પૂજન ના આયોજનો વિવિધ જગ્યાઓ પર આખા દિવસ દરમિયાન સંપન્ન થયાં હતાં. જીવંત તત્વોમાં ગુરુનું સ્થાન ઉંચું અને શ્રેષ્ઠ ગણાય છે. આમ, ડભોઇ નગર અને તાલુકાનાં વિવિધ મંદિરો અને આશ્રમોમાં આજ રોજ ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.