ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે વિકસિત ભારત-2047ના સંકલ્પ સંદર્ભે યુવાનોના વિઝનને પ્લેટફોર્મ મળી રહે તે માટે યુથ પાર્લામેન્ટ યોજાઈ હતી. જેમાં રાજ્યની 83 યુનિવર્સિટીના 550 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિકસિત ભારત-2047 અંતર્ગત ભારત કેવું હોવું જોઈએ? યુથ, રોજગાર વગેરે જેવી સમસ્યાઓ પર વિદ્યાર્થીઓએ સાંસદ તરીકે ચર્ચામાં ભાગ લેશે.
ગૃહપ્રધાનનું સંબોધનઃ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલ યુથ પાર્લામેન્ટમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સાંસદો બનેલા યુવાનોને સૂચક સંબોધન કર્યુ હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારે દેશભરમાં ચર્ચાઓ થઈ હતી. દશકોથી દેશના લોકો કલમ 370 નાબૂદ કરવાની રાહ જોઈ રહ્યા હતા. ભાજપ સરકારે આ કલમ હિંમત પૂર્વક નાબૂદ કરી છે. યુનિફોર્મ સિવિલ કોડ દેશનો મહત્વનો વિષય છે. યુસીસી અંગે પણ યુથ પાર્લામેન્ટમાં ચર્ચા થશે. આગામી દિવસોની સૌથી મોટી માંગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી અને સાયબર સીક્યુરિટી મોટા મુદ્દા બનવાના છે. તેથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સી અને સાયબર સીક્યુરિટી પર પણ ચર્ચા કરવામાં આવશે. અંગ્રેજો જમાના વર્ષો જુના કાયદાઓ સરકારે રદ કર્યા છે. જ્યુડિશિયલ રિફોર્મ્સ પર યુથ પાર્લામેન્ટમાં ચર્ચા થઈ હતી.
રામ મંદિર અને 5 ટ્રીલિયન ઈકોનોમીઃ અયોધ્યામાં નિર્માણ પામી રહેલ રામ મંદિર દેશની આસ્થાનું પ્રતીક છે. આ ઉપરાંત અયોધ્યાનો વિકાસ થતા સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે. રામ મંદિર નિર્માણને કારણે ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાનો વિકાસ થયો છે. દરેક યુવાને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવાનું છે. ભારત 5 ટ્રીલિયન ઈકોનોમી તરફ આગળ વધી રહ્યું છે. જેમાં કોઈ ઈફ અને બટ નથી. દુનિયામાં આર્થિક સંકટ વચ્ચે ભારત પોતાનો વિકાસ દર જાળવી રાખવામાં સફળ થયું છે.
જાહેર જીવનની સમજ આપતા સી. આર.પાટીલઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ યુથ પાર્લામેન્ટમાં હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને રાજકારણની અને જાહેર જીવનની સમજ આપી હતી. પાટીલે વિદ્યાર્થી સાંસદોને સંબોધન કરતા જણાવ્યું કે, બેઠક વ્યવસ્થા, વોટિંગ સિસ્ટમ, અલગ અલગ ભાષામાં અનુવાદ સાંભળી શકાય તેવી વ્યવસ્થા, ગેલેરી સહિતની વ્યવસ્થા કરાઈ છે. મહાત્મા મંદિરને બદલે સંસદમાં બેઠા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું કે, યુવાનોએ રાજકારણમાં જરૂર આવવું જોઈએ, પરંતુ મારું એક સૂચન છે કે વિદ્યાર્થીઓએ રાજકારણમાં આવતા પહેલા પરિવારની આર્થિક સ્થિતિ જોવી જોઈએ. રાજકીય પક્ષોમાં કાર્યકરોને પગાર આપવામાં આવતો નથી. તેથી, તેમને પરિવાર ચલાવવામાં મુશ્કેલ પડે તેવી સંભાવના છે. રાજકારણમાં ટકી રહેવા સતત સંઘર્ષ કરવો પડે છે.
રાજકારણમાં પૈસા જ પૈસા છે આ ગેરમાન્યતાઃ સી. આર. પાટીલે સાંસદની ભૂમિકામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને રાજકારણ વિષયક ગેરમાન્યતા વિશે પણ જણાવ્યું હતું. જેમાં પાટીલે જણાવ્યું કે, રાજકારણમાં જાઓ એટલે પૈસા જ પૈસા છે આ માન્યતા ભૂલ ભરેલી છે. ભાજપમાં જોડાનાર યુવાનોને હું પ્રથમ સવાલ પૂછું છું કે તમારી આર્થિક સ્થિતિ કેવી છે? રાજકારણમાં સતત 24 કલાક કામ કરવાનું હોય છે. નરેન્દ્ર મોદીએ જ્ઞાતિ, જાતિ અને પ્રાંતવાદનો ખાતમો બોલાવી દીધો છે. યુપી અને બિહાર જેવા રાજ્યોમાં જ્યાં જાતિ આધારે વોટિંગ થયું હતું ત્યાં પણ વિકાસ આધારે મતદાન થયું છે. મેરિટ ઉપર મતદાન થયું છે.