ગાંધીનગર: ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં છૂટ છવાયા વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું છે. ઉપરાંત ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર 11 જૂન સુધી તો મોટાભાગના જિલ્લાઓમાં વરસાદનું આગમન થઈ જ ગયું હશે. ત્યારે વાતાવરણમાં પલટો પણ આવી રહ્યો છે અને જેમ જેમ દિવસો આગળ વધી રહ્યા છે તેમ તેમ વરસાદ થયાની શક્યતાઓમાં જિલ્લાઓની સંખ્યા ઓછી થઈ રહી છે.
ખેતી પ્રધાન દેશમાં વરસાદનું 0મહત્વ: વરસાદ એ માનવ જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ બાબત છે. એમા પણ ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં વરસાદનું કંઈક અલગ જ મહત્વ છે. આથી જૂન મહિનાની શરૂઆતથી તમામ ખેડૂતો વરસાદની રાહ જોતા હોય છે. કારણ કે શરૂઆતનો વરસાદ પાકની વાવણી માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે.
મહત્તમ તાપમાન 41 સેલ્સિયસ: પરંતુ વાતાવરણમાં આવેલા પલટાને પરિણામે ગુજરાત રાજ્યમાં વરસાદ નબળો પડ્યો છે અને ગરમી ફરી વધી રહી છે. હવામાન વિભાગ દ્વારા પણ અહીનું મહત્તમ તાપમાન 41 સેલ્સિયસ દર્શાવવામાં આવ્યું છે. અહીં નોંધનીય બાબત એ છે કે, દક્ષિણ ગુજરાતનાં અમુક વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત 9-10 જુનના આસપાસ થઈ ગઈ હતી પરંતુ સંપૂર્ણ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 કે 20 જૂનના આસપાસ થશે.
13 જૂનના રોજ કયા જિલ્લામાં વરસાદ: અહીં નોંધનીય છે કે, 9-10 જૂનથી ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદ પડ્યો છે પરંતુ, 13 જૂનના રોજ ગુજરાતનાં માત્ર સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, મહિસાગર, આણંદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, તાપી, નવસારી, વલસાડ, ડાંગ જેટલા જિલ્લામાં જ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની ચેતવણી: 13 અને 14 જૂનના રોજ વાતાવરણમાં પલટો આવતા વીજળી અને સપાટીના પવન સાથે આછું વાવાઝોડું 30- 40 કિમી પ્રતિ કલાકની ઝડપે (ઝાપટામાં) હળવો વરસાદ થવાની સંભાવનાને પગલે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. આથી આ બે દિવસ દરમિયાન હજુ વરસાદનું જોર રહેવાની સંભાવના છે.
પશ્ચિમ ભારતમાં કેવો છે વરસાદ: કેરળ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને અડધા મહારાષ્ટમાં તો વરસાદનું આગમન પુરજોરમાં થઈ ગયું છે. આથી હવે ગુજરાતમાં પણ ચોમાસું આગળ વધતાં 20 થી 25 જૂનના આસપાસ પુરજોરમાં શરૂ થશે.