અમદાવાદ: મેઘરાજાએ પડખુ ફેરવતાની સાથે જ રાજ્યભરમાં વરસાદ શરુ થયો છે. એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જાણો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ...
- મહીસાગર :
વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ સાથે મહીસાગર પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે. મહીસાગર જિલ્લામાં ગત મોડી રાત્રી દરમિયાન ધીમીધારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. લાંબા સમય બાદ મહીસાગર જિલ્લાના કડાણા, ખાનપુર, વીરપુર, બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુરમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા હતા.
પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લાના વિવિધ શહેરમાં માર્ગો પર પાણી વહી રહ્યા હતા. લુણાવાડાના માંડવી બજાર, હાટડીયા બજાર, હુસેની ચોક તેમજ બાલાસિનોરમાં પટેલવાડા, રાજપુરી દરવાજા, જૂના બસ સ્ટેશન, સલીયાવાડી દરવાજા વિસ્તારમાં ધીમા વહેણમાં પાણી વહી રહ્યા હતા.
ગત રાત્રે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં 459 mm, ખાનપુર તાલુકામાં 333 mm, સંતરામપુરમાં 580 mm, લુણાવાડામાં 489 mm, વીરપુરમાં 496 mm, બાલાસિનોરમાં 341 mm વરસાદ વરસ્યો છે.
વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જોકે, જિલ્લામાં કોઈ જગ્યાએ નુકસાન, પાણી ભરાવવા, રસ્તા પર ટ્રાફિક તેમજ વીજળી જેવી કોઈ સુવિધામાં અવરોધ ઉભો થયો હોય એવો અહેવાલ પ્રાપ્ત થયા નથી.
અમદાવાદ :
આજે સતત ત્રીજા દિવસે અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના નારણપુરા, નવરંગપુરા, સ્ટેડિયમ, ઇન્કમટેક્સ, પાલડી, વેજલપુર, સરખેજ, ઘાટલોડિયા, શાસ્ત્રીનગર, ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયાં હતાં.
અમદાવાદના રાણીપ, ઘાટલોડિયા,ન્યુ રાણીપ, મણીનગર, બોડકદેવમાં પણ મેઘરાજાનું આગમન થયું છે. વરસાદની શક્યતાને જોતા હવામાન વિભાગે અમદાવાદમાં યલો એલર્ટ આપ્યું છે. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં સિઝનનો અત્યાર સુધીનો 60 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે.
અમદાવાદના રોડ-રસ્તાની ખરાબ સ્થિતિ અને ઉપરથી વરસાદી પાણીએ શહેરીજનોના માથામાં દુખાવો કર્યો છે. થોડા વરસાદમાં પણ શહેરના રોડ-રસ્તા પર પાણી ભરાઈ જાય છે. ગોતા વિસ્તારમાં સિલ્વર હાર્મની એપાર્ટમેન્ટ બહાર અમદાવાદ કોર્પોરેશનની નબળી કામગીરીને કારણે મનપાની જ ગાડી ફસાઈ હતી. એક ખુલ્લી ગટરમાં ગાડીનું આગળનું ટાયર ફસાયું છે.