દમણ(વાપી): અરબ સાગરમાં સર્જાયેલી વધુ એક સિસ્ટમને કારણે વલસાડ જિલ્લાના વાપીમાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે, જેને લઈને અનેક ગરબા આયોજકોએ ગરબા મોકૂફ રાખવાની ફરજ પડી છે. કેટલાક સ્થળોએ નીરસ માહોલ રહ્યો છે.
ખેલૈયાઓ અને આયોજકોની મજા બગાડી: સંઘપ્રદેશ દમણમાં અને દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લામાં 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસથી સાંજના સમયે જ વરસાદી ઝાપટા અને ભારે પવન ફૂંકાતો હોય નવરાત્રિની મોજ માણનારા ખેલૈયાઓ અને આયોજકોની ગરબે ઘુમવાની મજા બગડી છે.
રાજ્યના દક્ષિણ વિસ્તારમાં વરસાદી માહોલ: ગુજરાત અને સંઘપ્રદેશ દમણના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વલસાડ સહિત દરિયા કાંઠે આવેલા દમણ અને દાદરા નગર હવેલીમાં છુટા છવાયા વરસાદની આગાહી કરી હતી. જે અંતર્ગત સંઘપ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
વાતવરણમાં ઠંડક પ્રસરી: આ સમગ્ર પંથકમાં બપોર બાદ કાળા ડીબાંગ વાદળો વચ્ચે મોડી સાંજે ઠંડા પવનના સૂસવાટા સાથે જોરદાર વરસાદ વરસવા લાગ્યો હતો. જેને લઇ રસ્તા પાણીથી ભીંજાયા હતા. સતત અનરાધાર વરસાદ વરસતા થોડા સમયમાં જ વાતવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
તો બીજી તરફ નવરાત્રિનું આયોજન કરનારા આયોજકોમાં નોરતાના દિવસો દરમ્યાન જ ભારે વરસાદ વરસતા ગ્રાઉન્ડ પર કાદવ કીચડ થઈ જતાં આયોજકોમાં પણ ભારે ચિંતા વ્યાપી હતી. હાલ નવરાત્રિ પર્વ પૂર્ણ થવાને આરે છે, અને માત્ર બે જ નોરતા બાકી છે, એવામાં મેઘરાજાએ ખેલૈયાઓનો ખેલ બગાડતા નવરાત્રિ મહોત્સવના આયોજકો સાથે ખેલૈયાઓ પણ ભારે નાખુશ જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વાપી-દમણમાં પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા ગુરુવારે મુલત્વી રાખવાની ફરજ પડી હતી. જ્યારે, શેરીઓ-સોસાયટીઓમાં ઝરમર વરસાદ વચ્ચે માતાજીની 108 દીપની મહાઆરતી, 56 ભોગ જેવા આયોજનો કરવામાં આવ્યા હતાં. જે બાદ ગરબે રમતા ખેલૈયાઓની પાંખી હાજરી જોવા મળી હતી.
આ પણ વાંચો: