ભુજ: કચ્છ જિલ્લામાં સામાન્ય રીતે દિવાળી બાદ ધીમે ધીમે ઠંડીનું જોર વધતું હોય છે. પરંતુ આ વખતે નવેમ્બર માસમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો ન હતો અને ડિસેમ્બર માસ શરૂ થતાની સાથે જ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં કચ્છભરમાં વહેલી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે કચ્છનું કાશ્મીર કહેવાતું એવું અબડાસા તાલુકાના નલિયામાં પારો ગગડી રહ્યો છે અને જિલ્લા તેમજ રાજ્યનું સૌથી ઓછું તાપમાન નલિયામાં જોવા મળી રહ્યું છે.
છેલ્લાં કેટલાંક દિવસોથી કચ્છી કાશ્મીર તરીકે ઓળખાતા એવા નલિયામાં પારો 6 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે.ત્યારે શીતમથક નલિયામાં ઠંડીનો પારો છેલ્લાં કેટલાક દિવસોથી સિંગલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે, તો જાણો આ અહેવાલમાં શા માટે નલિયામાં સૌથી ઓછું તાપમાન જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયાનું
છેલ્લાં થોડાક દિવસોથી જિલ્લાભરમાં વાતાવરણમાં જોવા મળી રહેલા પરિવર્તનના કારણે લઘુતમ પારામાં ઉતાર ચડાવ વચ્ચે ધીરે ધીરે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યમાં નલિયાએ રાજ્યના ઠંડા મથકોમાં સૌથી પહેલા નંબરે આવતો હોય છે, પરંતુ 9 ડિસેમ્બરના રોજ નર્મદા ખાતે 7.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને નલિયાનું તાપમાન 7.6 નોંધાયું હતું. જોકે આ હવાના પરિવર્તનના કારણે જ આ વખતે નર્મદામાં પારો નીચે ગગડયો હતો.તો આજે નલિયાનું તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે.છેલ્લાં થોડાક સમયથી નલિયા ખાતે તાપમાનનો પારો 7 થી 10 ડિગ્રી વચ્ચે નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગે પણ ઠંડીના પ્રમાણમાં વધારો થશે તેવી ચેતવણી જારી કરી છે અને ઠંડીનો આ માહોલ જળવાઈ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
નલિયામાં ઠંડીનું જોર વધ્યું
નલિયામાં ઠંડીના પગલે લોકો પૂરો દિવસ ગરમ વસ્ત્રો પહેરતા જોવા મળી રહ્યા છે.ઠંડા પવન પણ ઝડપથી ફૂંકાઈ રહ્યા છે, જેથી દિવસના સમયમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. લોકો મોડી સાંજે અને વહેલી સવારના સમયે તાપણી કરતાં પણ જોવા મળ્યા હતા તો રાત્રિ તેમજ દિવસ દરમિયાન પણ જરૂરિયાત ન હોય તો લોકો ઘરેથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે.
નલિયામાં શા માટે સૌથી ઓછું તાપમાન?
નલિયામાં સૌથી ઓછા તાપમાન અંગે ઈટીવી ભારત સાથે વાતચીત કરતાં કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના પ્રોફેસર ડો.ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે,
નલિયાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે આ નલિયાનો વિસ્તાર છે ખુલ્લો વિસ્તાર છે જેના લીધે ઠંડા પવનો રોકવા માટે અહીં કોઈ માઉન્ટેન જેવા કોઈ રૂકાવટ ના હોતા હિમાલય વિસ્તારથી આવતા પવનો લો ડિપ્રેશનના કારણે અહીંના વાતાવરણમાં અનુભવાય છે. ઉપરાંત નલિયામાં આસપાસના વિસ્તારમાં વેજીટેશન પણ ખૂબ ઓછું રહે છે. તો અબડાસા વિસ્તારમાં દરિયાકિનારાનો વિસ્તાર વધુ છે જેથી રેતીનું પ્રમાણ પણ વધુ છે જેના લીધે રેતી ઠંડી પણ વધુ પ્રમાણમાં સોષે છે અને તેના કારણે જ આસપાસની હવા પણ ઠંડી થતી હોય છે અને સામાન્ય ઠંડી કરતા અહીં ઠંડીનો વધારો થાય છે.
ઠંડા પવનને રોકી શકે તેવુ કોઈ કુદરતી કવચ નલિયા પાસે નથી
હાલમાં નલિયામાં લઘુતમ તાપમાન 7 થી 10 ડિગ્રી જેટલો નોંધાઈ રહ્યો છે. દર વર્ષે જેવી રીતે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું સ્થળ નલિયા રહેતું હોય છે, તેમ આ વર્ષે પણ એવું જ દેખાઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે,લઘુતમ તાપમાન છે તે લોકેશન, વેજીટેશન અને જમીન વગેરે કેવું છે તેના પર આધારિત રહેતું હોય છે.નલિયા છે તે કોસ્ટલ વિસ્તાર છે અને તેની આજુબાજુ રેતાળ જમીનનું પ્રમાણ વધારે છે ઉપરાંત દરિયાકાંઠાનો પ્રદેશ હોવાથી તાપમાન પણ ત્યાં નીચું જતું હોય છે. નલિયા વિસ્તાર રણપ્રદેશ અને નીચાણવાળું વિસ્તાર છે અને તેની પાસે કોઈ કુદરતી કવચ નથી જેથી ઠંડા પવનો રોકાતા નથી તો રાત્રી દરમિયાન ઠંડા પવનને કારણે રણની રેતી પણ ઠંડી થઇ જાય છે.
2012માં 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ઉલ્લેખનીય છે કે રાજયમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી નયનમાં નામે જ નોંધાયેલ છે. વર્ષ 1964માં નલિયાનુ લઘુતમ તાપમાન 0.6 ડિગ્રી નોંધાયુ હતુ તો ત્યાર બાદ વર્ષ 2012માં 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને ત્યાર બાદ ક્યારેય પણ નલિયાનું લઘુતમ તાપમાન તેનાથી નીચું ગયુ નથી.કચ્છમાં એવી કોઈ પર્વતમાળા નથી કે જે રણ વિસ્તાર અને ઉત્તર તરફથી આવતા ઠંડા પવનો સીધા રોકી શકે.
લઘુત્તમ તાપમાન પૃથ્વીની અંદર પવનની જે દિશા છે તેના પર નિર્ભર
લઘુત્તમ તાપમાન છે તે સમગ્ર પૃથ્વીની અંદર પવનની જે દિશા છે તેના પર નિર્ભર કરે છે.જે હવાનો નેચર છે તે હવા હંમેશા ગરમ પ્રદેશથી કરીને ઠંડા પ્રદેશ તરફ જતી હોય છે.જ્યારે ભરખમ ઉનાળો હોય ત્યારે જમીન એકદમ તપે છે બહુ જ ગરમી હોય છે.ઉનાળામાં જમીન ગરમ હોય છે અને દરિયા ઠંડા હોય છે એટલે હવા છે તે દરિયાથી કરીને જમીન તરફ જાય એટલે અરેબિયનથી કરીને હિમાલય તરફ કે બે ઓફ બેંગાલથી હિમાલય તરફ હવા જતી હોય છે.
હિમાલયથી આવતા પવનો સીધા ગુજરાતમાં આવે છે
જ્યારે શિયાળો આવે છે ત્યારે રશિયા અને ચાઈનાથી જે હવા આવે છે તે હિમાલયમાં ભટકાય છે.જો હિમાલય ના હોય તો ત્યાંથી આવતી હવાઓ સીધી કચ્છ અને અરેબિયન સીથી અનુભવાત.પરંતુ હિમાલય છે તે અવરોધ રૂપે આવી જતા તે હવાઓ હિમાલયને ક્રોસ ના કરી શકે તેથી હિમાલયમાં ઠંડા પ્રદેશો બને છે.હિમાલયનો પ્રદેશ એકદમ ઠંડો થાય છે અને અરેબિયન સી નો વિસ્તાર છે તે ગરમ હોય છે.હિમાલયથી હવાને નજીકમાં નજીક પહોંચવું હોય તો તે એક ગુજરાતનો જ વિસ્તાર છે.ઠંડી હવા હિમાલય ક્રોસ કરીને રાજસ્થાન થઈને થાર રણ થઈને તે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવે છે. ઠંડા પ્રદેશથી ઠંડી હવા જ્યારે ગરમ પ્રદેશ તરફ જાય છે.જમ્મુ કાશ્મીર તરફથી આવતા ઠંડા પવનો મધ્યપ્રદેશ વિસ્તારમાં પર્વતો હોવાથી ત્યાંથી હવા ક્રોસ નથી થતી.
નલિયાનો વિસ્તાર લો ડિપ્રેશન વિસ્તાર
કચ્છમાં ઠંડી હવા આવે તો ખડિર વિસ્તારમાં બેલા અને તે વિસ્તારમાં આવે તો ત્યાં પણ ડુંગરો છે, જેથી ત્યાં હવાને તે રોકી લે છે.પરંતુ લો ડિપ્રેશન વિસ્તાર છે કે જે નિરોનાથી નેત્રા અને નલિયા સુધીનો છે.આ વિસ્તારમાંથી ઠંડી હવા આવે છે.સામાન્ય રીતે એવું હોય છે કે દરિયાની બાજુમાં ઠંડીના લાગવી જોઈએ મુંબઈમાં દરિયો છે ત્યાં ઠંડી એટલી નથી લાગતી હોતી.કચ્છ દરિયાથી નજીક છે માટે ગરમ પ્રદેશમાં ઠંડી હવા આવે છે. કચ્છની ઉપર થાર રણ છે તે દરિયાના અંદરનું જે મોઈશ્ચર આવે તે થાર રણની રેતી એબ્સોર્બ કરી લે છે. જેના કારણે કચ્છમાં મોઈશ્ચર રહેતું નથી. કચ્છની અંદર દરિયાના કારણે ઠંડી વધુ અનુભવાતી હોય છે.
કચ્છની અંદર ખુલ્લું આકાશ
આ ઉપરાંત કચ્છની અંદર ખુલ્લો આકાશ હોય છે.જો વાદળછાયું વાતાવરણ હોય તો ગરમ હવા છે, તે ઉપર ના જાય પરંતુ કચ્છની અંદર આકાશ ખુલ્લું હોય છે. જેથી જેટલી ગરમ હવા છે તે સરળતાથી નીકળી જાય છે અને ઠંડા પવનની અસર વધારે જોવા મળે છે.જો લોકલ પવનની પેટર્ન બદલાઈ જાય તો અન્ય વિસ્તારોમાં પણ લઘુતમ તાપમાનનો પ્રમાણ બદલાઈ જાય છે.જો પવનની પેટર્નમાં 1 ડિગ્રી પણ ચેન્જ આવે તો 100-200 કિલોમીટર સુધી તાપમાનનું પ્રમાણ બદલી જાય છે.ઘણી વખત ગાંધીનગરની અંદર પણ ભુજ કરતા વધારે ઠંડી હોય છે.હિમાલયથી જે ઠંડી હવાઓ છે તે કોઈ પણ અવરોધ વગર સીધી આ વિસ્તારમાં આવે છે જેથી ઠંડીનો ચમકારો વધારે જોવા મળે છે.