જૂનાગઢ : છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં બદલાવ આવ્યો છે. ત્યારે હવામાન વિભાગ અનુસાર 22 ફેબ્રુઆરી બાદ ઉનાળાની ધીમા પગલે શરૂઆત થઈ શકે છે. પરંતુ ત્યાં સુધી ઠંડીની કોઈ વિશેષ લહેર કે મોજું આવવાની શક્યતા એકદમ નહિવત છે. જૂનાગઢ હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયું છે કે, 22 ફેબ્રુઆરી સુધી તાપમાનમાં થોડો ઘણો ઘટાડો થશે, પરંતુ તે શિયાળાની વિદાય સમાન માનવામાં આવશે.
ઉનાળાની શરૂઆત ક્યારથી ? 22 ફેબ્રુઆરી બાદ ક્રમશ શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત થવાના સંકેતો મળી રહ્યા છે. આ દિવસો દરમિયાન દિવસ અને રાત્રીનું તાપમાન સામાન્ય જોવા મળશે. આ દિવસો દરમિયાન ઠંડીની કોઈ વિશેષ લહેર આવે તેવી શક્યતા હાલમાં નહિવત જોવા મળી રહી છે. ઉત્તર ભારત, હિમાલય અને ઉત્તરાખંડમાં થયેલી બરફ વર્ષાના કારણે હાલ ગુજરાતના તાપમાનમાં થોડો ઘટાડો થવાની સાથે ઠંડા પવન ફૂંકાઈ રહ્યો છે. પરંતુ આ માત્ર શિયાળાની વિદાય સાથે જોવા મળે છે.
પશ્ચિમી વિક્ષેપની અસર : અત્યારે હિમાલય અને ઉત્તર ભારતની સાથે ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને પશ્ચિમની વિક્ષેપની અસર માનવામાં આવી રહી છે. જેના કારણે ગુજરાતમાં થોડી ઠંડીની સાથે પવનનું પ્રમાણ જોવા મળે છે. પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ આગામી એક અઠવાડિયા સુધી જોવા મળશે. જ્યારે વરસાદ કે અન્ય કોઈ વાતાવરણના અચોક્કસ ફેરફારોની શક્યતા પણ નહિવત હોવાનું જૂનાગઢ હવામાન વિભાગ જણાવી રહ્યું છે. સમગ્ર ફેબ્રુઆરી મહિના દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ કોઈ પ્રકારનો નોંધપાત્ર ફેરફાર થશે નહીં, આ વર્ષ અલનીનોનું વર્ષ જોવા મળે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે વાતાવરણમાં બદલાવ થયો અને આ વર્ષે શિયાળ દરમિયાન ઠંડીના દિવસો ખૂબ ઓછા જોવા મળ્યા છે.
શિયાળો પૂર્ણ થવાના અણસાર : પશ્ચિમી વિક્ષેપની અસરને કારણે આ વર્ષે શિયાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ અને તેના દિવસો ખૂબ જ ઓછા નોંધાયેલા જોવા મળે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આ વર્ષે બાકી રહેતા શિયાળાના દિવસો દરમિયાન નહીવત ઠંડી જોવા મળશે. ઉપરાંત 22 ફેબ્રુઆરી સુધી શિયાળાનું સામાન્ય તાપમાન જોવા મળશે. ત્યારબાદ ધીમા પગલે ઉનાળાની શરૂઆત થતી જોવા મળશે.