અમદાવાદ: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારની રાતે થયેલી મારામારીના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ પાંચ આરોપીના નામ હિતેશ મેવાડા, ભરત પટેલ, શ્રિતિજ પાંડે, જીતેન્દ્ર પટેલ, સાહિલ દુધતીઉઆ છે. જ્યારે આ મામલે 20 થી 25 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે 9 ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજ.યુનિ.હોસ્ટેલમાં મારામારી: અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હિચકારી હુમલાની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અસમાજીક તત્વોએ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં નમાઝ પઢવા મામલે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. યુનિવર્સિટીમાં ભણતા અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાનનાં વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાયું છે. ઘટનાને લઈને પોલીસે સમગ્ર હોસ્ટેલ પરિસરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. મળતા અહેવાલ પ્રમાણે ગત રાત્રીના 10 વાગ્યાની આસપાસ આ ઘટના સર્જાઈ હતી.
શું હતો સમગ્ર મામલો: ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં શનિવારની મોડી રાત્રે બે અલગ-અલગ જૂથો વચ્ચે થયેલી મારામારીમાં ચાર વિદેશી વિદ્યાર્થીઓને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. ચારેય ઈજાગ્રસ્તોને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે અમદાવાદ CP જે.એસ.મલિકે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં ગઈકાલે સર્જાયેલ ઘટનાની તપાસ શરૂ થઈ છે. અહીં 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં અફઘાનિસ્તાન, શ્રીલંકા, કઝાકિસ્તાન સહિતના દેશના વિદ્યાર્થીઓ હતા. ગઈકાલે એ લોકો અહીંયા ઓટલા ઉપર બેસીને નમાઝ પઢી રહ્યા હતા, તે દરમિયાન કેટલાંક લોકો અહીંયા આવ્યાં અને નમાઝ કેમ વાંચો છો તેવું કહ્યું હતું અને ત્યાર બાદ આ સમગ્ર ઘટના સર્જાઈ હતી.
ઘટનાને લઈને દોડતી થઈ પોલીસ: આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, રાતે ૧૦.૫૧ મિનિટે પોલીસ કન્ટ્રોલમાં કોલ આવ્યો હતો અને ૫ મિનિટમાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી, પોલીસે ૯ ટીમો બનાવીને સમગ્ર ઘટનાની તપાસની ખાતરી આપી છે. તમામ વીડિયોના આધારે વધુ તપાસ કરાશે. A બ્લોકમાં ૭૫ વિદ્યાર્થીઓ રહે છે ઝપાઝપી થઈ અને ત્યાર બાદ પથ્થર ફેકવામાં આવ્યા. ઘટનાને પગલે ૫ ડીસીપી અને ૪ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બનાવાઇ છે. હાલ તો પોલીસે કડક કાર્યવાહી કરીને અને ન્યાયિક તપાસ કરવામાં આવશે.