અમદાવાદ : પોલીસ ગ્રેડ પે સહિતના વિવિધ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, પોલીસ ગ્રેડ-પે બાબતે કપિલ દેસાઈએ લડત ચલાવી હતી. તેને દબાવી દેવા માટે કપિલ દેસાઈ, સામાજિક કાર્યકર રાજેશ વાઢેર અને કલ્પેશ ચૌધરી પર સરકાર દ્વારા 5 જિલ્લાઓમાં પાંચ ખોટી FIR કરવામાં આવી હતી, તેને નામદાર હાઈકોર્ટના ચુકાદા દ્વારા રદ કરવામાં આવી છે.
- "લોકશાહીમાં દરેક વ્યક્તિને ન્યાય અને હક માટે લડવાનો અધિકાર" : હિંમતસિંહ પટેલ
હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, લોકશાહીમાં દરેક વ્યક્તિને ન્યાય અને હક માટે લડવાનો અધિકાર છે. આ લડત ચલાવવામાં ગુજરાતના લોકો, પોલીસ જવાનોના પરિવારો અને હાર્દિક પંડ્યા, નીલમ મકવાણા જેવા લોકોનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું. પોલીસ ફોર્સ એ ડિસિપ્લીન ફોર્સ છે, પણ જ્યારે તેમના હક્ક-અધિકારો માટે તેમણે અવાજ ઉપાડ્યો ત્યારે તેમની ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
- "હાઈકોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાને કોંગ્રેસ પક્ષ આવકારે છે" : હિંમતસિંહ પટેલ
ગુજરાત પોલીસ કર્મચારીઓને ગ્રેડ પેનો વધારો મળે તે મુદ્દે યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ પર પાંચ જિલ્લામાં અલગ-અલગ FIR કરવામાં આવી તથા કનડગત હેરાનગતિ ઉભી કરવામાં આવી હતી. તે મુદ્દે હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા અપાયેલ ચુકાદામાં પાંચેય જિલ્લામાં થયેલ FIR રદ (ક્વોષ) કરવામાં આવી હતી. હાઈકોર્ટ દ્વારા અપાયેલ ચુકાદાને કોંગ્રેસ પક્ષ આવકારે છે.
- "કોંગ્રેસ પક્ષે હંમેશા જનતાના મુદ્દે લડત ચલાવી છે" : હિંમતસિંહ પટેલ
ખેડૂતોના મુદ્દા, વિદ્યાર્થીઓના મુદ્દા, યુવાનોના મુદ્દા, રોજગારીના મુદ્દા જેવા તમામ મુદ્દે કોંગ્રેસ પક્ષે હંમેશા લડત ચલાવી છે. હમણાં કોંગ્રેસ પક્ષ દ્વારા TRP ગેમઝોન અગ્નિકાંડ, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, હરણી તળાવ બોટ દુર્ઘટના, તક્ષશિલા અગ્નિકાંડ સહિતના મુદ્દે ન્યાય યાત્રા ચલાવવામાં આવી હતી. કોંગ્રેસ પક્ષ હંમેશા જનતાના મુદ્દે લડત ચલાવતી રહેશે. કાંડ અને કૌભાંડની સરકાર પોલીસનો દુરુપયોગ કરી જનતાના હક્ક માટે લડનારા સામે ખોટી ફરિયાદો કરશે, તો જરૂર પડે ન્યાય તંત્રનો દરવાજો ખખડાવો પડે તો તે પણ ખખડાવશે.
પોલીસ ગ્રેડ પે વધારવાની માંગ સાથે આંદોલન : યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈએ સંબોધનમાં ન્યાયિક લડત લડનાર એડવોકેટ રાજેન્દ્રસિંહ ઠાકોરનો આભાર વ્યક્ત કર્યો હતો. વર્ગ-3ના કર્મચારીઓમાં સૌથી ઓછો 1800 ગ્રેડ પે ગુજરાત પોલીસ જવાનોનો છે, જેઓની માંગણી 2800 ગ્રેડ પે કરવાની છે. જે અંગે જુલાઈ, 2020 માં ગુજરાત પોલીસ ગ્રેડ પે વધારવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં 33,000 થી વધુ લોકો ટેલિગ્રામ ગ્રુપમાં જોડાયા અને અનેકવાર ટ્વિટર પર નંબર વન પર ટ્રેન્ડ ચલાવ્યા હતા.
21 જુલાઈ 2020ના રોજ પ્રતિક ઉપવાસ આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં હજારો લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને પોતાના ઘરેથી હાથમાં પ્લેકાર્ડ લઈને પ્રતિક ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. સાથે જ #પ્રતીક_ઉપવાસ_આંદોલન હેશટેગ સાથે ફોટો સોશિયલ મિડિયા પર અપલોડ કરીને જોડાયા હતા. સમગ્ર લડત ગાંધી ચિંધ્યા માર્ગે કોઈપણ પ્રકારનું નુકશાન ન થાય તે મુજબ શાંતિપૂર્વક રીતે કરવામાં આવી હતી.
ગુજરાત પોલીસના પગાર વધારા માટે કરવામાં આવેલ લડતને તોડી પાડવાના ઈરાદેથી સરકાર દ્વારા યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ, સામાજિક કાર્યકર રાજેશ વાઢેર અને કલ્પેશ ચૌધરી પર સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ એમ 5 જિલ્લાઓમાં ખોટા કેસ કરવામાં આવ્યા હતા. રક્ષાબંધન જેવા તહેવારમાં પોલીસ કસ્ટડીમાં રહેવુ પડ્યું અને 14 દિવસ જેટલો સમય જુદા જુદા પોલીસ સ્ટેશનમાં પૂરી રાખવામાં આવ્યા હતા. મોબાઈલ સહિતની વસ્તુઓ જમા લઈ લેવામાં આવી હતી. અમે 5 જિલ્લામાંથી જામીન લઈ 14 દિવસે બહાર આવી શક્યા હતા. જેને પડકારતી પીટીશન નામદાર હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
- "પોલીસ ગ્રેડ પેના મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાયિક લડત યથાવત રાખીશું" : કપિલ દેસાઈ
આ લડતના પરિણામ સ્વરૂપે સરકારે 2022 માં વિધાનસભાની ચૂંટણી પહેલા ઝુકવું પડ્યું અને પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. સાથે જ જુદા જુદા એલાઉન્સ સાથે પગાર વધારો આપવામાં આવ્યો હતો. જેમાં LRD અને ASI ફિક્સેશન વાળાનો માસિક રૂપિયા 8000 જેટલો, ASI ને માસિક રૂપિયા 5395 જેટલો, કોન્સ્ટેબલને રૂપિયા 4395 જેટલો પગાર વધારો થયો હતો. ગુજરાત પોલીસના ગ્રેડ પે સહિતના મુદ્દાઓ માટે ગાંધી ચિંધ્યા માર્ગે ન્યાયિક લડત યથાવત રાખીશું.