સુરત : કામરેજ તાલુકાના ઉંભેળ ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર 48 પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે નાકાબંધી કરી બે ટ્રેઇલરમાં ભરેલા રૂ.77 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક ચાલકને ઝડપી લીધો હતો. જ્યારે બીજા ટ્રેલર ચાલક ભાગી ગયો હતો. પોલીસે દારૂ ભરેલા બંને ટ્રેઈલર રાજકોટ મોકલનાર સહિત છ શખ્સોને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ. 1.27 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
બે ટ્રેલર ભરી દારૂ ઝડપાયો : વિજીલન્સ ટીમે આપેલી પ્રેસનોટ આધારે મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલના (SMC) PI સી. એચ. પનારાને મળેલી બાતમી આધારે નેશનલ હાઇવે નંબર 48 પર ઉંભેળ ગામની સીમમાં મહાદેવ હોટલ પાસે નાકાબંધી કરવામાં આવી હતી. જે દરમિયાન બે ટ્રેઇલરને (GJ-19- Y-2348 અને GJ-19-Y- 7993) અટકાવ્યા હતા. જેમાં એક ટ્રેલરનો ચાલક ભાગી ગયો હતો. જ્યારે ઉત્તરપ્રદેશના રહેવાસી વિવેક શ્યામસુંદર યાદવને પકડી લીધો હતો.
એક શખ્સ ઝડપાયો, એક ફરાર : પોલીસે બંને ટ્રેઈલરની તલાસી લેતા તેમાંથી રૂ.77 લાખથી વધુની કિંમતની વિદેશી દારૂની 32,916 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવેક યાદવની અંગજડતીમાંથી એક મોબાઈલ તથા રોકડ કબજે કરી હતી. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, ભાગી ગયેલા ટ્રેલર ચાલક અનિલ યાદવ તથા રવિન્દ્ર રાજપૂત સાથે બંને ટ્રેલરમાં વિદેશી દારૂ ભરીને રાજકોટ જતા હતા.
છ શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા : વિદેશી દારૂ ભરેલા ટ્રેલર મનેક પટેલે અજાણ્યા શખ્સને આપવા માટે મોકલ્યો હોવાની કબુલાત કરતા પોલીસે ટ્રેઇલરના ચાલક અનિલ યાદવ, વિદેશી દારૂ સપ્લાયર મનેક પટેલ, વિવેક યાદવના મિત્ર રવિન્દ્ર રાજપુત, રાજકોટ ખાતે વિદેશી દારૂ મગાવનાર અજાણ્યા શખ્સ અને બંને ટ્રેઇલરના માલિકને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ.1,27,08,766નો મુદ્દામાલ કબજે કરી કામરેજ પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.