અમદાવાદઃ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ નોટિસ પાઠવ્યા વગર વડોદ વિસ્તારમાં રહેતા એક પરિવારના મકાનને તોડી પાડતા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક રિટ પીટીશન કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ મૌના ભટ્ટએ કરી હતી.
શું સમગ્ર મામલોઃ આ કેસમાં અરજદાર સાધનાબેન ઈશ્વરભાઈ બડગુજર તરફથી એડવોકેટ મનીષ.એમ.કાપડિયાએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરી હતી. જેમાં કેટલાક અહમ મુદ્દા રજૂ કર્યા હતા. જે મુજબ 1 ઓક્ટોબર 2024ના દિવસે સવારના સમયે તેમના ઘરે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ,ઉઘના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર એસડી પ્રજાપતિ, નાયબ ઇજનેર પીબી ભોય, આસિસ્ટન્ટ એન્જિનિયર ચંદ્રેશ પટડીયા, ફેનીલ મહેતા મધુર પટેલ આવ્યા હતા અને અરજદાર અને તેના બાળકોને ઘરથી બહાર કાઢી તેમજ તેમના ઘરનો સામાન ઘરની બહાર ફેંકી દીધો હતો અને કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વિના તેમનું આખું ઘર તોડી નાખ્યું હતું અને અરજદારને બેઘર કરી દીધા હતા.
અરજદાર દ્વારા આ અંગેની પોલીસ ફરિયાદ તે જ દિવસે કરવામાં આવી હતી, ત્યાર પછી ત્રીજી ઓક્ટોબરે તેમણે કલેકટર, કોર્પોરેશન, લોકપાલ, ગૃહ મંત્રી ,રાષ્ટ્રીય મહિલા આયોગ વગેરે ને લેખિત રજૂઆત પણ કરી હતી, પરંતુ આ અંગે કોઈ જવાબ ના મળવાથી ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટીશન કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું હતું કે અરજદારના સમગ્ર કુટુંબની માનસિક અને શારીરિક સ્થિતિ બગડી ગઈ છે. લગભગ 30 લાખ રૂપિયાનું નુકસાન ઘર તૂટવાથી થયું છે. અને અધિકારીઓના ગેરકાયદે અને અવિચારિત અને નોટિસ આપ્યા વિનાના પગલાના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે.
અરજદારના વકીલ વતી હાઇકોર્ટની રિટમાં એવી દાદ માંગી છે કે, પ્રતિવાદીઓના ખર્ચે મૂળ રહેઠાણ ફરીથી અસલ સ્થિતિમાં બે અઠવાડિયામાં લાવવામાં આવે અને ઈલેક્ટ્રીક પાણીનું કનેક્શન ફરીથી શરૂ કરવામાં આવે. તદુપરાંત મ્યુનિસિપલ કમિશનર જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ બે અઠવાડિયામાં કાયદાકીય પગલા લઈ અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત આ તમામ પ્રતિવાદીઓ સંયુક્ત તરીકે અરજદારને રૂપિયા 45 લાખનું વળતર ચૂકવે અને આની સાથે તાત્કાલિક ધોરણે આ અરજદાર અને તેમના કુટુંબના રહેઠાણ અને જમવાની વ્યવસ્થા કરે.