ગાંધીનગર : સરકારને ગરીબ શ્રમિકોના કલ્યાણમાં રસ ન હોય તેવું ચિત્ર કેગના રિપોર્ટમાં ઉપસ્થિત થયું છે. સરકાર બાંધકામોના દસ્તાવેજ પર શ્રમિકોના કલ્યાણ માટે ચાલતી વિવિધ યોજનાઓ માટે બે ટકા સેસ ઉઘરાવે છે. 2006-07 થી 2022-23 ના સમયગાળા દરમિયાન ₹ 4,787.60 કરોડની રકમ સેસ તરીકે એકત્રિત કરવામાં આવી હતી. પરંતુ એ જ સમયગાળા દરમિયાન તબદીલ કરેલ રકમ માત્ર ₹ 2,544.81 કરોડ હતી અને ₹ 2,242.79 કરોડની સિલક રહી હતી, જે 31 માર્ચ 2023 સુધી તબદીલ કરવામાં આવી ન હતી.
એટલે કે સરકાર દ્વારા રૂ. 2242.79 કરોડની રકમ શ્રમિક કલ્યાણ માટે વાપરવામાં આવી નથી. રાજ્ય સરકારે 2022-23 દરમિયાન ₹ 748.18 કરોડ જેટલી રકમનો સેસ વસૂલ કર્યો હતો. પરંતુ માત્ર ₹ 205.57 કરોડ બોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2022-23 માં બાંધકામ શ્રમિકોના કલ્યાણના નામે ઉઘરાવવામાં આવેલા રૂપિયા 542.61 કરોડ વપરાયા વગર પડ્યા રહ્યા છે.
રાજ્યમાં મકાન અને અન્ય બાંધકામના સેંકડો દસ્તાવેજ થાય છે. તેના પર સરકાર શ્રમિકોના કલ્યાણ માટે ચાલતી વિવિધ યોજનાઓનું ભંડોળ એકત્ર કરવા માટે સેસ ઉઘરાવે છે. મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ સેસ અધિનિયમ, 1996 ની કલમ 3 હેઠળ એક-બે ટકા દર લાગુ કરીને સેસ વસૂલ કરવામાં આવે છે. મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ સેસ નિયમો, 1998 ના નિયમ 5(3) મુજબ, આ રીતે એકત્રિત કરેલી સેસની રકમ મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં (બોર્ડ) તે વસૂલ કર્યાના 30 દિવસની અંદર તબદીલ કરવાની હોય છે.
ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) ઓડિટે અવલોકન કર્યું હતું કે, મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ સેસ અધિનિયમ, 1996 ની શરતો મુજબ રાજ્ય સરકારે 2022-23 દરમિયાન ₹ 748.18 કરોડ જેટલી રકમનો સેસ વસૂલ કર્યો હતો. પરંતુ માત્ર ₹ 205.57 કરોડ બોર્ડમાં તબદીલ કરવામાં આવ્યા હતા. રૂ. 542.61 કરોડની સિલક 31 માર્ચ, 2023 સુધી બોર્ડમાં તબદીલ કરવામાં આવી ન હતી.
એકઠી કરેલી અને બોર્ડમાં તબદીલ કરેલ એકત્રિત સિલકોની સમીક્ષામાં ધ્યાન પર આવ્યું હતું કે, 2006-07 થી 2022-23 ના સમયગાળા દરમિયાન ₹ 4,787.60 કરોડની રકમ સેસ તરીકે એકત્રિત કરવામાં આવી હતી. પરંતુ એ જ સમયગાળા દરમિયાન તબદીલ કરેલ રકમ માત્ર ₹ 2,544.81 કરોડ હતી અને ₹ 2,242.79 કરોડની સિલક રહી હતી. જે 31 માર્ચ, 2023 સુધી તબદીલ કરવામાં આવી ન હતી. એટલે કે, સરકાર દ્વારા રૂ. 2242.79 કરોડની રકમ શ્રમિક કલ્યાણ માટે વાપરવામાં આવી નથી.