મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આયોજિત એક સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઉદ્યોગ સાહસિકોને સંબોધન કર્યું હતું. અહીં મરાઠવાડા એસોસિએશન ઓફ સ્મોલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર તથા ચેમ્બર ઓફ મરાઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચરના સંયુક્ત ઉપક્રમે એક સમારોહ યોજાયો હતો.
- ઉદ્યોગ સમાજના વિકાસમાં યોગદાન આપવાનું માધ્યમ પણ છે : આચાર્ય દેવવ્રત
આ તકે ઉપસ્થિત યુવાન ઉદ્યોગ સાહસિકો અને મહિલા ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ કરતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, ઉદ્યોગ એ નફો રળવાનું સાધન માત્ર નથી, તે સમાજના વિકાસમાં યોગદાન આપવાનું માધ્યમ પણ છે. દેશની પ્રગતિ અને સર્વાંગી વિકાસમાં ઉદ્યોગ સાહસિકોની ભૂમિકા અત્યંત મહત્વની છે. ઉદ્યોગગૃહો લાખો-કરોડો હાથોને કામ આપે છે. રોજગારીની તકો વધે છે, જેનાથી GDP માં વૃદ્ધિ થાય છે અને દેશનો વિકાસ થાય છે.
ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. ગુજરાતની રાહ પર સંપૂર્ણ ભારતમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ પ્રત્યે જાગૃતિ કેળવાય એ જરૂરી છે. વધુમાં આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત સમજ પણ આપી હતી. -- આચાર્ય દેવવ્રત (ગુજરાતના રાજ્યપાલ)
- યુવાનોના કૌશલ્યોનો વિકાસ થશે તો ભારતની આત્મનિર્ભરતા વધશે : આચાર્ય દેવવ્રત
યુવાનોને સફળ ઉદ્યોગ સાહસિક બનીને વધુને વધુ લોકો માટે રોજગારીની તકોનું નિર્માણ કરવાનો અનુરોધ કરતા આચાર્ય દેવવ્રતે કહ્યું કે, યુવાનોની પ્રતિભા અને ઊર્જાનો ઉચિત ઉપયોગ થાય તેવા અવસર ઊભા કરવાની જવાબદારી સમાજની છે. યુવાનોના કૌશલ્યોનો વિકાસ થશે તો ભારતની આત્મનિર્ભરતા વધશે. યુવાનોને સકારાત્મક અને સર્જનાત્મક અભિગમ તથા સારા સ્વાસ્થ્ય માટે સજાગ અને સક્રિય રહેવું જોઈએ, જેથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ શક્ય બને છે.
- ઉદ્યોગનો વિકાસ કરવા સાથે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનની કાળજી પણ લેવી જોઈએ : આચાર્ય દેવવ્રત
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ અને જળવાયુ પરિવર્તનને કારણે અસહ્ય ગરમી અને અનેક કુદરતી આફતોનો સામનો કરવો પડે છે. પ્રાકૃતિક સંપદાના માનવસર્જિત ક્ષયને કારણે જ આવી આફતો આવી છે. એટલે પ્રકૃતિને પૂર્વવત્ કરવાની ક્ષમતા પણ મનુષ્ય પાસે જ છે. ઉદ્યોગ સાહસિકોએ પોતાના ઉદ્યોગનો વિકાસ કરવા સાથે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનની કાળજી પણ લેવી જોઈએ.