જામનગર : તાજેતરમાં ભારે વરસાદના કારણે જામનગરમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ અંગે જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, વિવિધ એજન્સીઓની સહાય અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સમર્થન હેઠળ બચાવ અને રાહત કામગીરી સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.
બચાવ અને રાહત કામગીરી : જામનગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાએ જણાવ્યું કે, "અમે વિવિધ એજન્સીઓની મદદથી જામનગરમાં પૂરથી પ્રભાવિત લોકો માટે બચાવ અને રાહત કામગીરી કરી હતી. મુખ્યમંત્રીની નિર્દેશનમાં માત્ર એક અઠવાડિયાના રેકોર્ડ સમયમાં અમે લોકોને 20 કરોડથી વધુ કિંમતની રાહત સામગ્રી પ્રદાન કરી છે. જિલ્લા વહીવટી તંત્રએ પહેલાથી જ 20,000 ફસાયેલા લોકોને બચાવી લીધા અને તેમને રાહત શિબિરોમાં ખસેડ્યા છે.
20 કરોડથી વધુની સહાય : ગયા મહિને ભારે વરસાદે વિનાશ વેર્યો હોવાથી જામનગરના સર પી. એન. રોડ પરનો એક નાના પુલનો એક ભાગ પણ પૂરને કારણે ધોવાઈ ગયો હતો, જેણે મુસાફરોની અવરજવરને અસર કરી હતી. ગુજરાત સરકારની વિનંતીને પગલે ભારતીય સેનાની છ ટુકડીઓએ પણ પૂર પ્રભાવિત વિસ્તારમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ સતત સમીક્ષા બેઠકો યોજી તથા જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરો પાસેથી લોકોને સુરક્ષિત સ્થાનો પર તુરંત સ્થાનાંતરિત કરવા, બચાવ કામગીરી, આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અને બેઠક દરમિયાન રાહત રસોડાની વ્યવસ્થા અંગે વિગતવાર અહેવાલ મેળવ્યા હતા.
પૂર્વ આયોજનથી નુકશાન ટળ્યું : મુખ્યમંત્રીએ લોકોને આપત્તિ વ્યવસ્થાપન સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકાનું પાલન કરવા અને સ્થળાંતર માટે જરૂરી હોય ત્યારે જિલ્લા વહીવટી તંત્રને સહકાર આપવાની સલાહ આપી. મુખ્ય સચિવ રાજકુમારે સૂચન કર્યું કે, જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરો સમયાંતરે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી ચેતવણી પ્રત્યે સતર્ક રહે અને તેમના સંબંધિત જિલ્લા અને શહેરોમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે અગાઉથી આયોજન કરે.