ગાંધીનગર : ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા કનુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન અરવિંદ પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ સાથે મુખ્યમંત્રી સાથે રૂબરૂ રજૂઆત કરીશું. પીડિત પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના બને નહીં. જોકે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત બાબતે અરવિંદ પટેલે કહ્યું કે, ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારે પરિપત્ર કરવો જોઈએ, તો જ દેશ અને ગુજરાત સુધરશે.
કોન્ટ્રાક્ટર કનુભાઈને શ્રદ્ધાંજલિ : ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં લખ્યું હતું કે, આજે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના સ્વ. સભ્ય કનુભાઈ પટેલે સરકારના અધિકારી-કર્મચારીના નિષ્ઠુર અને અમાનવીય વર્તનના કારણે નિર્માણ થયેલી આર્થિક તંગીની પરિસ્થિતિના કારણે તા.15-06-2024 ના રોજ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. જે સંદર્ભે તેમના પરિવારજનોને ન્યાય અપાવવા માટે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના હોલ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોન્ટ્રાક્ટર એસોસિએશનની માંગ : આ શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના અંદાજે 500 જેટલી મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટર્સ હાજર રહ્યા હતા. આ શ્રદ્ધાંજલિ સભા પૂર્ણ થયા બાદ ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના કોન્ટ્રાક્ટર્સ અને સ્વ. કનુભાઈ પટેલના પરિવારજનોએ એક રેલી સ્વરૂપે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આવેદનપત્ર આપી પીડિત પરિવારને ન્યાય અપાવવા તેમજ કસુરવાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવા માંગણી કરી હતી.
સરકાર સમક્ષ રજૂઆત : ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન પ્રતિનિધિએ જણાવ્યું કે, અમારા કોન્ટ્રાકટર સ્વ. કનુભાઈ પટેલને સરકારના નિષ્ઠુર અધિકારીઓ અને કર્મચારી દ્વારા કનડગત અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. બીનજરૂરી ખોટી નોટીસ આપીને માનસિક ત્રાસ આપી હતી. તેમજ તેઓએ પૂર્ણ કરેલા કાર્યના લેવાના નીકળતા હકના નાણા છૂટા ન થતા તેઓને આત્મહત્યા કરવી પડી હતી, જે ખૂબ જ દુઃખદ બાબત છે. જ્યાં સુધી કસુરવાર અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી ન થાય અને પરિવારને યોગ્ય ન્યાય ન મળી રહે ત્યાં સુધી ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના તમામ સભ્યો સ્વ. કનુભાઈ પટેલના પરિવારજનો સાથે ઉભા રહેશે.
સ્વ. કનુભાઈની સુસાઇડ નોટ :
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ખંભા ગામના વતની અને વ્યવસાયે કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલે મુખ્યમંત્રીને સંબોધીને સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, નડિયાદ R & B ( સ્ટેટ) ડિવિઝનના કપડવંજ R & 8 સબડિવિઝનનું (સ્ટેટ) કપડવંજ તથબપુર જગડૂપુર ગઢીયા નાનીગેટ મોટીઝર રોડ km 0/0 to 18/500 નું કામ મેેં એલ. જી. ચૌધરી અમદાવાદ પાસેથી સબ કોન્ટ્રાક્ટમાં રાખ્યું હતું. સદર કામમાં વોલ/સી ડી વર્ક અને વાઈડનીંગનું કામ એપ્રિલ 2023 થી જૂન 2023 સુધીમાં ચેઇનેજ 1/500 કીમ થી 14/00 કીમ સુધીનું કામ કપડવંજ સબ ડિવિઝનના S.0. દીપકભાઈ ગુપ્તા સાહેબ તેમજ D.E. સથવારા સાહેબની (કડિયા સાહેબ) દેખરેખ હેઠળ તેમજ તેમની સૂચના મુજબ અંદાજે સવા બે કરોડ (2.25 કરોડ) રૂપિયાનું કામ મેં કરેલ છે.
તેના નાણાં 12 માસથી મને મળેલ નથી, જેથી હું આર્થિક સંકડામણથી છેલ્લા 12 માસથી (બાર માસ) પીડાઉં છું. અનેકવાર બિલ માટે રૂબરૂ મિટિંગ કરી ખુબ જ વિનંતી કર્યા પછી પણ મને નાણાં ન મળવાથી કામની પ્રગતિ ધીમી થઈ ગઈ છે. છત્તા કામ શરૂ રાખવા નોટીસ આપેલ છે અને નાણાં આવી શક્યા નથી, તેમજ મારા સ્ટાફનો પગાર ન કરી શકવાથી સ્ટાફ વેરવિખેર થઈ ગયેલ છે. છતાં ઉછીના પૈસા લાવીને માંડમાંડ લેબરોની ટીમો લાવું, ત્યારે કોઈને કોઈ બહાને આગળની લાઇન ન આપવાથી મજૂરોને પણ અને સ્ટાફને પણ નિયમિત રોજગારી ન મળવાથી મજૂરોની ત્રણ ટીમો જતી રહેલી છે.
કામમાં ઝડપ કરવા કરેલ કામના નાણાં ન આપવા છતાં કામ ઝડપી કરાવવા નોટિસ આપી ટોચેરિંગ કર્યા કરે છે. હવે એવી સ્થિતિનું સર્જન થયું છે કે એક બાજુ પૈસા નથી અને બીજી બાજુ કામ ચાલુ રાખવા દબાણ કરવાનું, જે વેપારીઓ પાસેથી માલ લાવેલ તેઓને (12 માસ) બાર માસથી નાણાં ન ચૂકવી શકવાથી નવો માલ મળતો નથી. સ્ટાફ, મશીનરી, ડીઝલ, મેઇન્ટેનન્સ વગેરે નાણાંના અભાવે ચલાવવું ખૂબ જ મુશ્કેલ હોય અન્ય કોઈ રસ્તો ન હોય ખૂબ કોશિશો અને ખૂબ વિનંતી કર્યા છતાં નાણાં ન આપવાથી મે આ પગલું ભર્યું છે.
વધુમાં લખવાનું કે, મેં શ્રી રામ બિલ્ડર્સ લુણાવાડાના કામો અગાઉ કરેલ છે. જેના પણ નાણાં શ્રી રામ બિલ્ડર્સે મને આપેલ નથી.
- રુ. 1,53,00,000 શ્રી રામ બિલ્ડર્સના સબ કોન્ટ્રાકટ કરેલ કામના નાણાં જટા લેજર મુજબ માંગુ છું, તે આપતા નથી
- રુ. 1,87,50,000 વલાસોરા અલીણા લાડવેલ રોડની મેઇન્ટેનન્સ ડિપોઝિટ કેસ ચાલુ હોય પરત મળેલ નથી, કોર્ટના હુકમ મુજબ મારે લેવાની છે
- રુ. 37,00,000 ભમરી કુંડામાં માનગઢ હીલ રોડ કામ ડિપોઝિટ બીલ કપાત EMG મારે લેવાની થાય છે
- રુ. 65,00,000 સંતરામપુર કડાણા પેકેજને 6,7 અને પીઠાઇ રોડની કઢાવેલ ડિપોઝિટો તથા કપાતનો કે જે 1,53,00,000 રકમ મને ન આપવાથી નાણાકીય કટોકટી ઊભી થવાથી કામ લેટ થયેલ છે, જે મારે લેવાની છે
- રુ. 30,00,000 I.O.C માં ડામરકામ કરવા રિફાઇનરીમાં ભરેલા છે. પેકેજ 6,7 નું ડામર કામ કરવા
- કુલ રુ. 4,72,50,000 (ચાર કરોડ બોતેર લાખ પચાસ હજાર) અને 20,00,000 (વીસ લાખ) LG ચૌધરીનું ગોધરા આમલીયાત કામના હિસાબમાં નીકળે છે
આમ ઉપરોક્ત નાણાં મને ન મળવાથી હું ખૂબ જ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું. અન્ય લોકો પાસેથી માલ તેમજ નાણાં લાવેલ જેનો જવાબ આપી શકતો ન હોઈ મને આત્મસમર્પણ કરવા મજબૂર કરનાર મુખ્ય કપડવંજ સબ ડિવિઝન D.E કડિયા સાહેબ તથા ગુપ્તા સાહેબ તેમજ શ્રી રામ બિલ્ડર્સ લુણાવાડાના વહીવટદારો છે. શ્રી રામ બિલ્ડર્સમાં ભાગીદારી કરવા રોકાણ કરેલ છે, તે અલગથી છે. ઉપરોક્ત શ્રી રામ બિલ્ડરનો હિસાબ ફક્ત સબ કોન્ટ્રાક્ટનો છે.
આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ : ઉપરોક્ત સુસાઈડ નોટ લખીને કોન્ટ્રાક્ટર કનુ પટેલે આપઘાત કર્યો હતો. જે બાદ R & B વિભાગના અધિકારી જીગર કડિયા, દિપક ગુપ્તા, કોન્ટ્રાક્ટર મનહર પટેલ, હિતેશ સુથાર, દીપક ગાંધી અને એલજી ચૌધરી વિરુદ્ધ કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ યોગ્ય કાર્યવાહી ન થતાં ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
જનતાનો સવાલ... પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરતી ભાજપ સરકાર આગામી દિવસોમાં આ મુદ્દે કેવી કાર્યવાહી કરે તે જોવું રહ્યું.