ગાંધીનગર : નિવૃત IAS ડો. સુદીપકુમાર નંદાએ ગઈકાલ 26 જુલાઈ, શુક્રવારના રોજ 68 વર્ષની વયે અમેરિકા ખાતે અંતિમ શ્વાસ લીધા છે. ડો. એસ. કે. નંદા અમેરિકામાં તેમની પુત્રીને મળવા ગયા હતા. જ્યાં હૃદયની નિષ્ફળતાને (કાર્ડીયાક ફેલ્યોર) કારણે તેમનું અવસાન થયું હતું.
IAS ડો. સુદીપકુમાર નંદા : નિવૃત IAS ડો. સુદીપકુમાર નંદા તેમની કારકિર્દી દરમિયાન ગુજરાત સરકારમાં વિશિષ્ટ હોદ્દા પર રહી ચૂક્યા છે. ગુજરાત સરકાર સાથેના તેમના કાર્યકાળ દરમિયાન ડો. નંદાએ આરોગ્ય, પ્રવાસન, માહિતી અને પ્રસારણ, નાણાં, ખાદ્ય અને નાગરિક પુરવઠા, વન અને પર્યાવરણ જેવા મુખ્ય સરકારી વિભાગો સફળતાપૂર્વક સંભાળ્યા હતા. ડો. સુદીપકુમાર નંદાને 2002 રમખાણો પછી આરોગ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા માટે PMO તરફથી પ્રશંસા સહિત અનેક પુરસ્કારો મળ્યા હતા.
લેખક અને વિચારક : ડો. સુદીપકુમાર નંદા લેખક અને વિચારક પણ હતા. તેઓ પાસે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન, ફાઇનાન્સ, હેલ્થ વગેરે ક્ષેત્રનો અનુભવ હતો. સાથે જ તેમણે વ્યાવસાયિક મહત્વના વિષય પર ઘણા લેખો તેમજ પુસ્તકો લખ્યા હતા. નિવૃત થયા બાદ ડો. એસ. કે. નંદા આદિવાસી વિકાસ, ગર્લ ચાઈલ્ડ, પર્યાવરણ, સ્કાઉટ ઓર્ગેનાઈઝેશન, HAM રેડિયો અને કલા અને સંસ્કૃતિના પ્રચાર જેવા વિવિધ ક્ષેત્રોમાં સંકળાયેલા હતા. સાથે જ ડો. એસ.કે. નંદા અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ વિષયો પર માર્ગદર્શન આપતા હતા.
ડાંગના આદીવાસી સમાજના ઉદ્ધારક : ડો. સુદીપકુમાર નંદા મૂળ જગન્નાથ પુરીના (ઓરિસ્સા) વતની હતા. નિવૃત્તિ પછી ડો. સુદીપકુમાર નંદાએ ગાંધીનગરમાં વસવાટ કરવાનું પસંદ કર્યું હતું. તેમણે ગાંધીનગર પાસેના અડાલજમાં પુરીની રેપ્લિકા જેવું ભગવાન જગન્નાથનું મંદિર નિર્માણ કર્યું હતું. નિવૃત IAS ડો. સુદીપકુમાર નંદા ગુજરાતના મુખ્ય સચિવ પદના પ્રબળ દાવેદાર હતા. ડો. સુદીપકુમાર નંદા ગરીબો અને દલિત લોકોના કલ્યાણ, ખાસ કરીને આદિવાસી કલ્યાણ સાથે સંકળાયેલા મુદ્દાઓ માટે માનવતાવાદી અભિગમ ધરાવતા હતા. ઉપરાંત ડાંગના આદિવાસી સમુદાય માટે પણ મોટો ફાળો આપ્યો છે.