વાપીઃ રાજ્યના નાણાં પ્રધાન કનુ દેસાઈએ 3જી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં શિક્ષણ, આરોગ્ય અને પાયાગત સુવિધાની જાહેરાતો કરવામાં આવી છે. ખેડૂત લક્ષી અને ઉદ્યોગ લક્ષી બજેટ રજૂ કરીને નાણાં પ્રધાને દરેક વર્ગના લોકો માટે કંઈક ને કંઈક જોગવાઈની જાહેરાત કરી છે. આ બજેટ સંદર્ભે વાપીના ઉદ્યોગકારોએ આ બજેટને અવકાર્યુ છે. તેમજ વાપી ટ્રાન્સપોર્ટ નગરની માંગ સંતોષાઈ હોત તો વધુ આનંદ થાત તેમ જણાવ્યું છે.
વર્ષો જૂની માંગઃ વાપી ઉદ્યોગપતિઓએ સર્વાંગી વિકાસલક્ષી બજેટ રજૂ કરવા બદલ નાણાં પ્રધાનને અભિનંદન પાઠવ્યા હતાં. જો કે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની વર્ષો જૂની માંગને ફરીથી નાણાં પ્રધાને નજર અંદાજ કરીને તેના પર કોઈ જાહેરાત ન કરવાની ફરિયાદ પણ ઉદ્યોગપતિઓએ કરી છે. વાપી ટ્રાન્સપોર્ટર્સે આ બજેટમાં ટ્રાન્સપોર્ટ ઉધોગની વર્ષો જૂની ટ્રાન્સપોર્ટ નગરની માંગણીને ધ્યાને લઈને જાહેરાત કરાઈ હોત તો વધુ આનંદ થાત તેવી રજૂઆત કરી છે. વાપી ઉદ્યોગપતિઓમાં બજેટને લઈને કહીં ખુશી કહીં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતના ઈતિહાસના સૌથી મોટા કુલ 3 લાખ 32 હજાર 465 કરોડના બજેટને અમારા વિસ્તારના નાણાં પ્રધાન કનુ દેસાઈએ રજૂ કર્યુ છે તેની અમને બહુ ખુશી છે...કમલેશ પટેલ (ઉદ્યોગપતિ, વાપી)
સામાન્ય માનવીથી લઈ ઉદ્યોગપતિઓ સુધી એમ દરેક માટેના દરેક મુદ્દાઓનો આ બજેટમાં નાણાં પ્રધાને સમાવેશ કર્યો છે. આ બજેટ સૌના માટે સુખરુપ રહેશે...રાજુલ શાહ (ઉદ્યોગપતિ, વાપી)
આ બજેટમાં આરોગ્ય ક્ષેત્રે 20000 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે જયારે શિક્ષણ ક્ષેત્રે 55000 કરોડની જોગવાઈ કરી છે. આ જોગાવાઈઓ ખૂબ જ સરાહનીય છે. આ ઉપરાંત કોસ્ટલ હાઈવે માટે 215 કરોડની ફાળવણીને લીધે કોસ્ટલ બેલ્ટ વધુ સુરક્ષિત બનશે...કુંજલ શાહ (ઉદ્યોગપતિ, વાપી)
આ બજેટમાં વાપી મહા નગર પાલિકાની જાહેરાત કરવામાં આવી છે જેનાથી વાપીવાસીઓ ખૂબ ખુશ છે,પરંતુ વાપી ટ્રાન્સપોર્ટ નગરની જાહેરાત જરુરી હતી. જો કે આવતા વર્ષે નાણાં પ્રધાન વાપી ટ્રાન્સપોર્ટ નગરની જાહેરાત કરે તેવી અમને આશા છે...ભરત ઠક્કર (પ્રમુખ, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશન)
અમારા કનુ દેસાઈએ રજૂ કરેલ રાજ્ય બજેટ એકંદરે મધ્યમ છે, પરંતુ વાપીના ટ્રાન્સપોર્ટ સેક્ટરના કોઈ હિત બજેટમાં જોવા મળતા નથી. કનુ દેસાઈ આ વિસ્તારના છે તેથી ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે રોડ, રસ્તા, પાર્કિંગના પ્રશ્નો તેમને ખ્યાલ હશે જ. આ પ્રશ્નોના નિરાકરણ માટેની ફાળવણી આ બજેટમાં કરાઈ નથી...અરવિંદ શાહ (પૂર્વ પ્રમુખ, વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશન)
Gujarat Budget 2024-25: ગુજરાત બજેટ 2024-25: નાણાપ્રધાન કનુભાઈ દેસાઈનું સંપૂર્ણ ભાષણ, વાંચો અહીં....