સુરત : પલસાણા તાલુકાનાં ચલથાણની કલ્યાણજી વિ. મહેતા વિદ્યાલયમાં ધો. 10ની પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થી મંગળવારે સાંજે પોતાના ઘરે દાદર પરથી પડી જતાં જમણા હાથના કાંડામાં ઇજા થતાં તેનું હાડકું તૂટી ગયું હતું. લખી શકે તેવી સ્થિતિમાં ન હોય શાળા પરિવાર અને શિક્ષણ વિભાગ દ્વારા તાત્કાલિક લહિયાની વ્યવસ્થા ઊભી કરી હતી. જેની મદદથી વિદ્યાર્થીએ અંગ્રેજી વિષયની પરીક્ષા આપી હતી.
એસએસસી પરીક્ષાર્થી ઇજાગ્રસ્ત બન્યો : ચલથાણની કલ્યાણજી વિ. મહેતા વિદ્યાલયમાં અભ્યાસ કરતો ધો. 10નો વિદ્યાર્થી હર્ષ જગદીશ ખેરનાર ગતરોજ પોતાના ઘરે દાદર પાર્ટી અકસ્માતે પડી ગયો હતો. તેને જમણા હાથે કાંડા પાસે હાડકું તૂટી જતાં વિદ્યાર્થી અને પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા. વિદ્યાર્થી લખી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી વાલી દ્વારા સ્થળ સંચાલક રાજેન્દ્રસિંહ ચૌહાણને જાણ કરવામાં આવી હતી. તેમણે તાત્કાલિક ઝોનલ અધિકારી ડૉ. સંગિતાબેન મિસ્ત્રીનો સંપર્ક કર્યો હતો. તેમણે વિદ્યાર્થીને તકલીફ ન પડે તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપી હતી.
વિદ્યાર્થીને જમણા હાથમાં ઇજા થઈ હોય તેનાથી લખી શકાય એમ ન હતું. આથી અમે સ્થળ સંચાલક અને શાળા પરિવાર સાથે મળી શિક્ષણ અધિકારીને રજૂઆત કરી લહિયાની વ્યવસ્થા કરી હતી. હવે વિદ્યાર્થી લહિયાની મદદથી બાકીની પરીક્ષા આપી શકશે...ડૉ. સંગિતાબેન મિસ્ત્રી (બારડોલી ઝોનના અધિકારી)
લહિયાની મંજૂરી મળી : સ્થળ સંચાલકે આકસ્મિક આવી પડેલ પરિસ્થિતિમાં લહિયાની મંજૂરી માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીને દરખાસ્ત કરતી હતી. જે મંજૂરી મળી જતાં વિદ્યાર્થીએ બુધવારે અંગ્રેજી ( દ્વિતીયભાષા )ની પરીક્ષા આપી હતી. અને આગામી પરીક્ષાઓ પણ લહિયાની મદદથી આપી શકે તેવી વ્યવસ્થા ઝોનલ અધિકારી ડૉ. સંગિતાબેન મિસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી.