ભરુચઃ ગુજરાતમાં સાક્ષાત 7 સ્વયંભૂ શિવલિંગ મંદિર ધરાવતું એકમાત્ર મંદિર ભરુચના તવરા ગામે આવેલ છે. ચિંતનાથ મહાદેવ તરીકે ઓળખાતા આ મંદિરમાં કપિલમુનિએ તપ કર્યુ હતું અને શિવલિંગની સ્થાપના કરી હતી. નર્મદા સ્નાન કરીને આ સપ્ત શિવલિંગના દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિ મળે છે તેવી માન્યતા છે.
શાસ્ત્રોમાં કપિલ મુનિને શિવ ગણાવાયા છેઃ નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે. નર્મદા તટ પરના ગામેગામ પ્રસિદ્ધ શિવમંદિરો છે. નર્મદા પૂરાણમાં તરણેશ્વર અને આજે તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલમુનિએ તપ કર્યુ હોવાનું કહેવાય છે. શાસ્ત્રોમાં કપિલમુનિને શિવ સ્વરૂપ દર્શવવા માં આવ્યા છે. એક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા. જ્યાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા. અહીં તેમણે તપ કરીને કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી.
7 મહાદેવઃ તવરાના ચિંતનાથ મહાદેવ મંદિરમાં શ્રી કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. ચૈત્ર સુદ ચૌદશના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડા નું દાન અને દર્શન કરવાથી અખંડ ચક્ષુ અને મોક્ષ મળે છે. અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા આ મંદિરનું નામ ચિંતનાથ મહાદેવ પડ્યું છે.
ઔરંગઝેબના હુમલાથી મંદિર સુરક્ષિતઃ ચિંતનાથ મહાદેવના દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા હોવાથી આ મંદિર ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે. રેવા પુરાણ મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યુ હતું અને અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે. મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે આ મંદિર પર ચઢાઈ કરી હતી. ઔરંગઝેબેના સૈન્યે મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતાં તેમાંથી દૂધની ધારાઓ વહી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.
હું તવરા ગામનો રહેવાસી અને ચિંતનાથ મહાદેવ મંદિરનો ટ્રસ્ટી છું. આ મંદિરની સ્થાપના કપિલ મુની દ્વારા કરવામાં આવી હતી. અહીંયા આવતા તમામ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. અમાસના દિવસે અને શ્રાવણ માસમાં નર્મદા નદીમાં સ્નાન કરીને ચિંતનાથ મહાદેવના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે...મનહર પરમાર (ટ્રસ્ટી, ચિંતનાથ મહાદેવ મંદિર,તવરા)
અમારા ગામમાં સુપ્રસિદ્ધ ચિંતનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ભક્તો અહીંયા આવીને પોતાના ચિંતાઓ અને માનતાઓ ભગવન સમક્ષ મૂકે છે અને તેઓની મનોકામનાઓ પૂર્ણ થાય છે...ધવલ ગોહિલ (સ્થાનિક, તવરા)
હું ભરૂચની રહેવાસી છું. તવરા ગામમાં આવેલું હજારો વર્ષો પૂરાણું ચિંતનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા શિવરાત્રી અને શ્રાવણ માસમાં હજારોની સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવતા હોય છે. નર્મદા નદીમાં સ્નાન કરીને ચિંતનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાથી મોક્ષની પ્રાપ્તિ મળે છે...જૈમિની રાણા (દર્શનાર્થી, ચિંતનાથ મહાદેવ મંદિર)
તવરા ગામમાં ચિંતનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અહીંયા કપીલમુની દ્વારા 7 સ્વયંભૂ શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. નર્મદા નદીમાં સ્નાન કરીને ચિંતનાથ મહાદેવ મંદિરે દર્શન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે...જલ્પા પ્રજાપતિ (દર્શનાર્થી, ચિંતનાથ મહાદેવ મંદિર)
ભરૂચ એ ભૃગુ ઋષિની ભૂમિ છે. ભૃગુ ઋષિના તપથી અહીંયા અનેક શિવ મંદિરો આવેલા છે. જેમાં કપિલ મુનિ દ્વારા ભરૂચના તવરા ગામે એક સાથે 7 શિવલિંગની સ્થાપના કરવામાં આવેલી છે. આ મંદિરે દર્શન કરવાથી ભક્તોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીંયા ખૂબ મોટી સંખ્યા ભક્તો આવીને દર્શન કરીને ધન્યતા અનુભવે છે...જયપ્રકાશ જોષી(દર્શનાર્થી, ચિંતનાથ મહાદેવ મંદિર)