ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસું સત્રનો આજે બીજા દિવસ છે. આજે કોંગ્રેસના ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગતરોજ પણ કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભા બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
કોંગ્રેસના ધારાસભ્યો સસ્પેન્ડ : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે વિધાનસભા સત્રની શરુઆતમાં પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના કેટલાક પ્રશ્નો વિધાનસભા અધ્યક્ષ દ્વારા સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ સંબંધિત વિભાગના મંત્રીએ આ પ્રશ્નો કાઢી નાખતા કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં પ્લેકાર્ડ બતાવી વિરોધ નોંધાવ્યો હતો. તેથી કોંગ્રેસના સભ્યોને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિપક્ષે નારાજગી વ્યક્ત કરી : સમગ્ર ઘટના અંગે કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડાએ આકરી પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ જણાવ્યું કે, પ્રજાના પ્રશ્નો પ્રજાના પ્રતિનિધિઓ વિધાનસભા ગૃહમાં ઉઠાવે છે. અમે જનતાના વિવિધ મુદ્દાની ચર્ચા કરવા પ્રશ્નો ઉઠાવ્યા, પરંતુ અમારા પ્રશ્નો દાખલ કરવામાં આવ્યા. અમે ન્યાય માટે રજૂઆત કરી તો બહુમતીના આધારે અમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.