ખેડાઃ ખેડા જિલ્લાના કઠલાલમાં વાહન ચલાવવા બાબતે વાહન ચાલકને માર મારવા બાબતે શનિવારે મોડી રાત્રે બે કોમના ટોળા વચ્ચે અથડામણ થવા પામી હતી. લાકડીઓ સહિતના હથિયારો સાથે ટોળા સામસામે આવતા શહેરમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી તેમજ એક બાઈકને આગ ચાંપી દેવામાં આવી હતી. જેને લઈ પોલિસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આજે સોમવારે બીજા દિવસે પણ શહેરમાં બંદોબસ્ત યથાવત રખાયો છે અને શહેરમાં શાંતિનો માહોલ છે. સમગ્ર મામલમાં પોલિસ દ્વારા બે ફરિયાદ નોંધી કુલ 300 લોકો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપીઓની શોધખોળ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.
બાઈક ચાલકને માર મારતા સર્જાઈ હતી અથડામણ
શનિવારે સાંજે પીઠાઈ ટોલબૂથ બાજૂથી એક વ્યક્તિ પોતાનું બાઈક લઈને આવી રહ્યા હતા. ત્યારે પાછળથી એક ફોર વ્હીલરવાળાએ બાઈક ધીમું ચલાવવા બાબતે નજીક ગાડી લાવી અપશબ્દો બોલ્યા હતા. જે બાદ તેઓ બાઈક લઈને જતા હતા ત્યારે ખોખરવાડા પાટિયા ઓવરબ્રિજે ગાડીવાળાએ બાઈક ઊભુ રખાવી બીજા પાંચ સાત જણા આવી બાઈકવાળા પાસે ધોલ ઝાપટ કરી હતી. જે ઘટના બાદ મોડી રાત્રે બે કોમના ટોળા સામસામે આવતા મામલો ઉગ્ર બન્યો હતો. કઠલાલમાં મોડી રાત્રે બે કોમના ટોળા સામસામે આવી જતા ભારે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. લાકડી, દંડા સહિતના હથિયારો સાથે ટોળાં વચ્ચે અથડામણ થઈ હતી. ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જે દરમ્યાન એક બાઈકને અસામાજીક તત્વો દ્વારા આગ ચાંપી સળગાવી દેવામાં આવી હતી. જેને લઈ એેસપી સહિત પોલિસ કાફલો પહોંચ્યો હતો. સ્થિતિ નિયંત્રિત કરી શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હતી.
શહેરમાં ચુસ્ત બંદોબસ્ત, શાંતિનો માહોલ
ઘટનાને લઈ પોલિસ દ્વારા શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે સોમવારે સતત બીજા દિવસે પણ બંદોબસ્ત યથાવત રખાયો છે. ગઈકાલે શહેરમાં લોકો દ્વારા સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યો હતો. આજે શહેરમાં સ્થિતિ સામાન્ય છે.સંપૂર્ણપણે શાંતિનો માહોલ છે.
પોલિસે બે ફરિયાદ નોંધી 300 લોકો સામે ગુનો નોંધ્યો
ઘટનામાં પોલિસ દ્વારા બે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં બાઈક ચાલક સાથે મારામારી મામલે પાંચ થી સાત લોકો વિરૂદ્ધ ગુનો નોંધી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. જ્યારે જૂથ અથડામણ અને તોડફોડ મામલે 300 લોકોના ટોળા વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
આરોપીઓની શોધખોળ ચાલુ છે: એસપી
આ બાબતે જિલ્લા પોલિસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યુ હતું કે, જે ઓવરટેકિંગ બાબતે મારામારી થયેલી તેમાં ફરિયાદીએ આપેલી ફરિયાદમાં પાંચથી સાત લોકો આરોપી તરીકે હતા. જેમાં બે આરોપીઓને પકડી લેવામાં આવેલા છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. એ સિવાય રાત્રે આ ફરિયાદને અનુસંધાને બંને કોમના ટોળા મોટી સંખ્યામાં પોલિસ સ્ટેશન સામે એકઠા થયેલા નુકસાન કરવાની અને કાયદો વ્યવસ્થા ભંગ કરવાના જે પ્રયત્નો થયેલા જે બાબતે પોલિસે તાત્કાલિક પગલા લઈ બંને ટોળાઓને વિખેરેલા. ત્યાર બાદ ટોળાઓ દ્વારા જે કાંઈ ગુનાહિત કૃત્ય કરવામાં આવેલું છે. એ બાબતની ફરિયાદ સરકાર તરફે દાખલ કરવામાં આવેલી છે. આશરે 300 લોકોના ટોળાની વિરૂદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એ લોકોની વીડિયોગ્રાફી ફોટોગ્રાફી અમને ઉપલબ્ધ થયેલું છે. એના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી કરવામાં આવશે. હાલ શાંતિ છે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: