ગાંધીનગર: 78 મા સ્વતંત્રતા દિવસની શુભસવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન પછી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમણે જેકફ્રુટ- ફણસનું વૃક્ષ વાવ્યું હતું. ધ્વજવંદન સમારોહમાં એસ.આર.પી.એફ. જૂથ-૨, અમદાવાદના કંપની કમાન્ડર તથા જવાનો અને જૂથ-૧૨, ગાંધીનગરના જવાનોએ ભાગ લીધો હતો.
ગાંધીનગરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી: 15 મી ઓગસ્ટના પર્વે રાજભવનના ધ્વજવંદન સમારોહમાં અધિક મુખ્ય સચિવ જે.પી. ગુપ્તા રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા, રાજ્યપાલના એડીસી લેફ્ટનન્ટ કમાન્ડર મનુ તોમર અને કે. સિદ્ધાર્થ (આઇપીએસ), ગાંધીનગરની વેદ ઇન્ટરનેશનલ સ્કૂલ તથા અન્ય શાળાના બાળકો ઉપરાંત રાજભવનના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે 78 માં સ્વતંત્ર દિવસની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રદેશ મહામંત્રી રજની પટેલે કમલમ કાર્યાલય ખાતે ધ્વજ વંદન કરાવ્યું હતું. આ તબક્કે તેમણે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના નારાને સાકાર કરવા દેશના પ્રત્યેક નાગરિક પોતાનું કર્તવ્ય સમજે અને દેશને વિકસિત ભારતની શ્રેણી માટે પ્રત્યેક નાગરિક સહયોગ આપે તેવી અપીલ કરી હતી. જ્યારે કોંગ્રેસની ન્યાય યાત્રા અંગે રજની પટેલે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ ન્યાય યાત્રાની નિષ્ફળતા છુપાવવા તિરંગા યાત્રાનો જે વિરોધ અને વિક્ષેપ કરે છે તે નિંદનીય છે. જોકે આજે રાજ્યના 14 હજાર ગામડાઓમાં તિરંગા યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો છે. ગુજરાત આ યાત્રા થકી દેશ ભક્તિના રંગે રંગાયું હોવાનો દાવો રજનીભાઈ પટેલે કર્યો છે.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 78 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. બાદમાં એક તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. મનપા, પોલીસ, શાળાના વિદ્યાર્થી, નગરની સંસ્થા તિરંગા યાત્રામાં જોડાઈ હતી.
મેયરે શું કહ્યું?: ગાંધીનગરના મેયર મીરા પટેલે નગરજનોને સ્વતંત્રતા દિનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપ સૌ નગરજનોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રસેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર, અમર બલિદાની વીરોને કોટિ કોટિ વંદન કરું છુ. આવો, આપણે આઝાદીના સુવર્ણકાળમાં રાષ્ટ્રની એકતા અને સમૃદ્ધિમાં સર્વશ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ લઈએ.