દ્વારકા: યુવાનો એ દેશનું ભવિષ્ય છે. અને દેશ ત્યારે આગળ વધે છે જ્યારે આજનો યુવાન ભણેલો ગણેલો હોય અને તેનો પાયો છે પ્રાથમિક શિક્ષણ. સરકાર પણ શિક્ષણ માટે અનેક પ્રયાસો તો કરી રહી છે પણ જે શાળામાં બાળકો ભણી રહ્યા છે તે સરકારી ઈમારતોમાં જ પ્રાથમિક જરૂરિયાતોનો અભાવ છે.
શાળાની દિવાલો જર્જરિત: તમે જોઈ રહ્યા છો એ છે દ્વારકા જિલ્લાની કંડોરણા ગામની 30 વર્ષ જૂની સરકારી પ્રાથમિક શાળા. અહીં ધોરણ 1થી 8 સુધીના 115 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલના પ્રાર્થના હોલમાં છત પરથી પોપડા પડવા લાગ્યા છે. છતમાંથી લોખંડના સળિયા પણ જોઈ શકાય છે અને દિવાલમાં તિરાડો પડી ગઈ છે.
વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ: રાજય સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે અનેક જગ્યાએ શિક્ષણ માટે પ્રાથમિક સવલતો મળી શકતી નથી જેનો પુરાવો દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામની સરકારી શાળાનો છે. આ મામલે ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓએ શાળાનું સમારકામ કરવા અથવા નવી શાળા બનાવવા માંગ કરી છે.
તંત્રને અનેક વખત રજૂઆત: ગ્રામજનો કહી રહ્યા છે કે આ શાળા અંદાજિત ત્રીસ વર્ષ જૂની છે. ત્યારે ગ્રામજનો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ જર્જરિત શાળામાં કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? આ મામલે ગ્રામજનોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી માં કોઈ રીપેરીંગ કામ કરવામાં નથી આવ્યું. ત્યારે તમે જ વિચારો કે આમાં કેમ ભણે ગુજરાત ?