સુરત: દેશના હિન્દુ નેતાઓની હત્યાનું ષડયંત્ર ઘડનારામાં સુરતના મૌલવી બાદ એક પછી એક આરોપીને ઝડપવામાં પોલીસને સફળતા મળી રહી છે, ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અગાઉ ઝડપાયેલા કઠોરના મૌલવી મહંમદ સોહેલ અબુબકર ટીમોલની પુછપરછના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચે બિહારી યુવાન મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરને નેપાળ બોર્ડર નજીકના મુઝફ્ફરપુરમાંથી ઝડપી લીધો હતો. જ્યારે આ મામલે વધુ એક આરોપીને ઝડપી પાડવામા આવ્યો છે.
બિકાનેરના યુવકની સંડોવણી: ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાંદેડના બીએસસીના વિદ્યાર્થી શકીલ સત્તાર શેખ ઉર્ફે રઝાની ધરપકડ કરી હતી. આ ઉપરાંત, સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મૌલવીના કોલ ડિટેઈલ્સની સતત તપાસ ચાલુ હતી. આ તપાસ દરમિયાન રાજસ્થાનના બિકાનેરના એક યુવકની સંડોવણી બહાર આવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે બિકાનેરમાં ધામા નાંખ્યા હતા અને ત્યાંની પોલીસને સાથે રાખી આ યુવકની ધરપકડ કરાઈ હતી.
મૌલવીના સતત સંપર્કમાં રહેતો: ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝિયા પાસેથી મળતી માહિતી મુજબ હિંદુનેતાઓના યુવકનુ નામ અશોક સુથાર ઉર્ફે અબુબકર હોવાનુ જાણવા મળ્યું છે. મૌલવીના સતત સંપર્કમાં રહેતો અશોક સુથાર ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બન્યો હતો અને દિલ્હીમાં તેમજ બિકાનેરમાં રહેતો હતો. ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં તેના મોબાઈલ ફોનમાંથી પાકિસ્તાનના નંબરો પણ મળ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે તેના મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર જપ્ત કરી લીધા છે.