ગીર સોમનાથ : એકમાત્ર ગીર વિસ્તાર જોવા મળતા જંગલના રાજા એશિયાઇ સિંહ માટે સાસણ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે પાછલા કેટલાક વર્ષો દરમિયાન માર્ગ અકસ્માતોમાં થતા વન્ય જીવોના મોતને લઈને વન વિભાગ દ્વારા એક ખાસ સુરક્ષા સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ : ગીરના વન્યજીવોને સંભવિત અકસ્માતથી બચાવવા માટે ખાસ ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. જેમાં આધુનિક કેમેરા મારફતે રાત્રે પણ સ્પષ્ટ જોઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાસણ સુધીના માર્ગમાં આ વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. આ માર્ગ પર અને વાહનોની સ્પીડને લઈને સાસણ ખાતે પહેલેથી જ કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મોનીટરીંગ કરવામાં આવશે.
કેવી રીતે કામ કરશે સિસ્ટમ ? મેંદરડાથી સાસણ સુધીના રાજ્ય ધોરી માર્ગ પર નવી સિસ્ટમ કામ કરતી જોવા મળશે. જેમાં સેન્સર આધારિત કેમેરાનો ઉપયોગ કરીને માર્ગ પર કોઈ વન્ય પ્રાણીની હાજરી છે કે કેમ તેની માહિતી આપવામાં આવશે. માર્ગ પર લગાવવામાં આવેલા કેમેરાના દ્રશ્યો માર્ગ પર જ ઉપલબ્ધ LCD ટીવી મારફતે જોઈ શકાશે.
વાહનચાલકોની ગતિવિધિ : વધુમાં આ માર્ગ પરથી પસાર થતા પ્રત્યેક વાહનને ગતિ મર્યાદામાં ચલાવવા માટે પણ દિશા-નિર્દેશો સતત વિડીયો મારફતે મળી રહેશે. ગતિ મર્યાદાથી વધારે સ્પીડમાં વાહન હંકારતા વાહનચાલકો સામે વાહનના રજીસ્ટ્રેશન નંબર પરથી કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જેની સિસ્ટમ પણ લાગુ કરી દેવામાં આવી છે, જેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.
સાસણ ખાતે કાર્યરત કંટ્રોલરૂમ : સાસણ નાયબ વન સંરક્ષક મોહન રામે જણાવ્યું હતું કે, ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમમાં 16 થર્મલ, 8 PTZ અને 4 ANPR કેમેરાની સાથે 4 જેટલી સ્પીડ રડાર અને 4 જેટલી સ્ટ્રોબ લાઈટનો ઉપયોગ કરીને સમગ્ર માર્ગમાં 20 જેટલા ડિસ્પ્લે યુનિટ ઉભા કરવામાં આવ્યા છે. આ તમામને સાસણ ખાતે કાર્યરત કંટ્રોલ અને કમાન્ડ યુનિટ સાથે જોડવામાં આવ્યા છે. સમગ્ર માર્ગમાં વાહનોની ગતિવિધિ અને વન્ય પ્રાણીઓની હાજરીની નોંધ કરીને તુરંત માર્ગ પર દર્શાવવામાં આવેલા LCD મારફતે વાહનચાલકોને કરવામાં આવી રહી છે.
નાઈટ વિઝન કેમેરા : ગીર સ્પીડ મોનિટરિંગ સિસ્ટમમાં નાઈટ વિઝન કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. રાત્રીના અંધારામાં પણ કોઈપણ વન્ય પ્રાણીની માર્ગ પર હાજરી અને વાહનની ગતિની માહિતી ખૂબ જ સચોટતાથી વાહન ચાલકોને મળે તે રીતે LCD માં ડિસ્પ્લે કરી શકાય તેવા કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પ્રાણીઓને શોધવા માટે અધતન થર્મલ ઓપ્ટિકલ કેમેરાનો ઉપયોગ થઈ રહ્યો છે. આ સમગ્ર સિસ્ટમ સેન્સર આધારિત હોવાથી ખૂબ જ ઝડપથી વન્ય જીવની હાજરી પારખીને વાહનચાલકોની અમર્યાદિત ગતિવિધિને પણ તુરંત રોકી શકવામાં મદદ મળશે.