ગીર સોમનાથઃ ઊના શહેરમાં માનવતાને નેવે મુકી હોય તેવી ઘટના ઘટી છે. શહેરના એક અવાવર વિસ્તારમાંથી ત્યજાયેલ નવજાત બાળક મળી આવ્યું છે. જો કે સ્થાનિકો અને રાહદારીઓએ પોલીસને જાણ કરતા પોલીસે આ બાળકને 108 મારફતે હોસ્પિટલ પહોંચાડ્યું છે. પોલીસે ફરિયાદ નોંધીને આ બાળકના માતા-પિતાની શોધખોળ આદરી છે.
બાળકની સ્થિતિ તંદુરસ્તઃ ઊના શહેરના વરસિંગપુર રોડ પર આવેલી HDFC બેન્ક પાસેની અવાવરુ જગ્યામાં તાજુ જન્મેલું બાળક પડ્યું હતું. આ ઘટનાની જાણ અહીંથી પસાર થતાં રાહદારીઓને થતા ઊના પોલીસને જાણકારી આપી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને 108 એમ્બ્યુલન્સની મદદથી મળી આવેલા બાળકને સારવાર માટે ઊના સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. હોસ્પિટલ દ્વારા આ બાળકની હાલત એકદમ તંદુરસ્ત હોવાનું જણાવવામાં આવ્યું છે. સમગ્ર મામલે ઊના પોલીસે બાળકના માતા-પિતાની શોધ ખોળ શરુ કરી છે.
છ મહિનામાં બીજી ઘટનાઃ અગાઉ ઊનામાં ત્યજાયેલ બાળક મળી આવ્યાની ઘટના 6 મહિના અગાઉ બની હતી. હવે ફરીથી આવી ઘટના બનતા છેલ્લા 6 મહિનામાં આવી ઘટના બીજીવાર બનતા ચકચાર મચી ગઈ છે. લોકો આ ઘટના પાછળ જવાબદાર પ્રત્યે ફિટકાર વરસાવી રહ્યા છે. પોલીસે પણ આ નવજાત બાળકના માતા-પિતાને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. હોસ્પિટલ સત્તા દ્વારા આ નવજાત બાળકની તબિયત એકદમ તંદુરસ્ત હોવાનું જણાવી રહ્યા છે. પોલીસ પણ ફરિયાદ નોંધીને આ બાળકને કોણે ત્યજ્યુ છે, આ બાળકના માતા-પિતા કોણ છે તેની શોધખોળ કરી રહી છે.