ગીર સોમનાથ : ગત 4 ડિસેમ્બરના રોજ ઉના પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન દારૂની 34 જેટલી બોટલ સાથે ASI મનસુખ વાજા પકડાયો હતો. આ અંગે 5 ડિસેમ્બરે જાણવાજોગ ફરિયાદ દાખલ થયા બાદ આજે મનસુખ વાજા પર ઉના પોલીસ મથકમાં FIR દાખલ થઈ છે.
પોલીસકર્મી ઝડપાયો: ગીર ગઢડા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા મનસુખ વાજા નામના પોલીસકર્મી પાસેથી પોલીસે જ દારૂની બોટલો ઝડપી હતી. જે તે સમયે આરોપી મનસુખ વાજા આ દારૂ સરકારના નિયમ પ્રમાણે પંચરોજ કામ કર્યા બાદ સરકારી હોવાનું રટણ કરી રહ્યો હતો. સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ ન બને તે માટે 5 ડિસેમ્બરે મનસુખ વાજા સામે જાણવા જોગ દાખલ કરીને તેની બદલી ગઢડાથી વેરાવળ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવી હતી.
આરોપી ASI વાજા વિરુદ્ધ FIR : આજે 6 ડિસેમ્બરે મનસુખ વાજા પર ઉના પોલીસ મથકમાં વિવિધ કલમ અન્વયે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ મનસુખ વાજા સામે ઉના પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ 65 (ઈ) તેમજ BNS 303 અન્વયે વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલાની તપાસ ઉના PI ને સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં મનસુખ વાજાને ફરજ મોકુફ કરવાની સાથે તે સમગ્ર મામલામાં સામેલ સાબિત થશે તો તેની ધરપકડ સહિત અનેક બીજી કાયદાકીય કાર્યવાહી પણ થતી જોવા મળી શકે છે.
શું હતો મામલો ? ઉના અને ગીર ગઢડા તાલુકામાંથી સમગ્ર વર્ષ દરમિયાન પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા દારૂનો નાશ કરવાની પ્રક્રિયા ઉના સુગર મીલના મેદાનમાં કરવામાં આવી હતી, પરંતુ તેમાંથી હેડ કોન્સ્ટેબલ મનસુખ વાજાએ 34 જેટલી બોટલ સેરવી લઈને પોતાની ખાનગી કારમાં મૂકી દીધી હતી. જેના કારણે તેમના વિરુદ્ધ આજે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
પકડાયેલા દારૂ નાશ કરવાની પ્રક્રિયા : પોલીસ દ્વારા પકડાયેલા દારૂના નાશ કરવા માટે વિવિધ સરકારી મંજૂરી મેળવવી પણ ફરજિયાત છે. પોલીસ વિભાગ અને પ્રાંત અધિકારીની હાજરીમાં પંચનામું કરીને પોલીસે પકડી પાડેલા તમામ દારૂ પૈકી પ્રત્યેક બ્રાન્ડની એક-એક બોટલને બાદ કરતા તમામ દારૂનો નાશ કરવાની કાર્યવાહી કાયદાકીય મંજૂરી મળ્યા બાદ થતી હોય છે.