મહેસાણા: રામોસણા થી વિસનગર લિંક રોડ પર બનેલો બ્રિજ બન્યો ત્યારથી વિવાદમાં છે. બ્રિજ બન્યો છે શહેરનો ટ્રાફિક વિસનગર તરફ ડાયવર્ટ કરવા માટે, પરંતુ એ જ બ્રીજની કફોડી હાલતને કારણે બ્રિજ હોવા છતાં બ્રિજ બંધ કરવાની હાલત થઈ છે. મહેસાણાના ડૉ આંબેડકર ઓવર બ્રિજનું 2014માં લોકાર્પણ થયું હતું, 2017માં નામાભિધાન થયું હતું, અને ત્યાર બાદ દર વર્ષે ચોમાસાના વરસાદ બાદ રોડ પર ગાબડા પડી જતા સળિયા બહાર આવી જાય છે અને દર વર્ષે રિપેર કરતા કરતા 2024 માં ગાબડું એવું તો પડ્યું કે ઉપરથી જુઓ તો બ્રિજ નીચે આર પાર દેખાય. જેને કારણે 14 ફેબ્રુઆરી 2024 થી બ્રિજ તાત્કાલિક બંધ કરાયો અને પાલનપુર થી મહેસાણા થઈ વિસનગર જતા વાહનો હવે શહેરમાંથી પસાર થાય છે અને સખત ટ્રાફિક થતા લોકો હેરાન થાય છે. આ બ્રિજની વિગતો લેવા છેવટે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ સ્થળ પર રૂબરૂ પહોંચી ગયા હતા. અને સ્થળ પર રૂબરૂ તપાસ કરી માહિતી મેળવી હતી.
ફરી ગાબડા અને ફરી રીપેર: ડૉ આંબેડકર ઓવર બ્રિજ બન્યા બાદ બબ્બે વખત જાહેર કાર્યક્રમો કરીને બ્રિજ ખુલ્લો મુકાયો હતો પણ બ્રિજ ની કામગીરી પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથીં. છેલ્લા 10 વર્ષ માં દર ચોમાસે એક જ વરસાદમાં આ બ્રિજ પર ગાબડા પડે અને એને રિપેર કરવા મહિનાઓ સુધી ટેન્ડર પડે અને એ રિપેર થાય એટલામાં ફરી ચોમાસુ આવે અને ફરી રિપેર થાય અને ફરી વરસાદ પડતાં જ ગાબડા પડે. છેલ્લા 10 વર્ષમાં અહીંના લોકોએ આ જ સ્થિતિ આ બ્રિજ પર જોઈ છે અને લોકો હેરાન પરેશાન થાય છે. સમગ્ર મામલે વિપક્ષ દ્વારા પણ આ બાબતે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
એજન્સીઓની બેદરકારી: બ્રિજ લોકોની સગવડ માટે પણ બનાવ્યો છે પણ બ્રિજ બન્યા બાદ જાણે લોકોની મુશ્કેલીઓ વધારે થઈ ગઈ છે. ત્રણ ત્રણ મહિનાથી સવારે અને સાંજે પીક અવર માં ભારે ટ્રાફિક મહેસાણામાં થી ડાયવર્ટ થાય છે. અને લોકો હેરાન થાય છે જેના માટે જવાબદાર બ્રિજ બનાવનાર એજન્સી અને આર એન્ડ બી ના અધિકારીઓ કે જેઓ એ ચકાસણી કરી નહિ કે એજન્સી વિરૂદ્ધ કાર્યવાહી કરી નહિ. પણ છાવરવાની નીતિ છે કે હજુ સુધી નક્કર કાર્યવાહી ની જગ્યાએ બ્રિજ રિપેર કરી તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું છે. જો એકાદ વાર કાર્યવાહી થાય તો નવા બ્રિજ ગુણવત્તા વાળા બને એવું ઉદાહરણ સ્થાપવું જરૂરી છે.