અમદાવાદ: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો માસ્ટર માઈન્ડ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સનો એક વીડિયો કોલ વાયરલ થયો છે. જેમાં તે પાકિસ્તાનના કુખ્યાત ડોન શહજાદ ભટ્ટી સાથે વાત કરતો દેખાય છે. લોરેન્સ ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવી રહ્યો છે. આ વીડિયોને જેલ પ્રશાસન પર સવાલો ઉભા થયાં છે.
વાઈરલ આ વીડિયોમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તેના દુબઈ સ્થિત પાર્ટનર શહેઝાદને વીડિયો કોલ દ્વારા ઈદની શુભેચ્છા પાઠવી રહ્યો છે. જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈનો પહેલો ઈન્ટરવ્યુ જેલમાંથી જ થયો હતો. આ વીડિયો બાદ વહીવટીતંત્ર ફરી એક વખત સવાલોના ઘેરામાં છે.
લોરેન્સ હાલ ગુજરાતની જેલમાં બંધ છે: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો વીડિયો કોલ વાયરલ થયો છે જેમાં પાકિસ્તાની ડોન ભટ્ટીને ઈદની શુભેચ્છા પાઠવે છે તેમજ સિદ્ધુ મુસેવાલા હત્યાનો માસ્ટરમાઇન્ડ ગુજરાતની જેલમાં છે. લોરેન્સ બિશ્નોઈની પાછળ ઘણા ગેંગસ્ટરના ચહેરા છુપાયેલા છે. તેણે જગ્ગુ પાસેથી પૈસા વડે સત્તા કેવી રીતે મેળવી શકાય તેની કળા શીખી અને અન્ય ગુંડાઓ સાથે જોડાઈને તેણે હથિયારોની મદદથી ખંડણીનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાવ્યું. આ જ કારણસર આજે જેલમાં હોવા છતાં તે દેશમાં તેના ફેલાયેલા નેટવર્કના આધારે ગુંડાગીરી આચરવામાં સક્ષમ છે.
ઋષિકેશ પટેલનું નિવેદન: લોરેન્સના કથિત વીડિયો પર પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું હતુ કે, આ આજે જ સવારે આ વીડિયો ધ્યાનમાં આવ્યો છે તે અંગે કોઈને કંઈ પણ જાણ નથી ત્યારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે.
જેલના અધિકારીએ શું કહ્યુ?: નાયબ અધિક્ષક, પરેશ સોલંકીએ આ અંગે ન્યૂઝ18 ગુજરાતીની ટીમ સાથે વાત કરી હતી. જેમા તેમણે જણાવ્યુ છે કે, આ વીડિયો અમારી જેલનો હોય તેવું લાગતું નથી. અમારી જેલમાં ઓગસ્ટ 2023થી લોરેન્સ છે ત્યારથી એની પાસે કોઇપણ જાતનું એક્સેસ હોય તેમ લાગતું નથી. એકદમ ટાઇટ સિક્યુરિટીમાં તેને રાખવામાં આવે છે.'