ગાંધીનગરઃ રાજ્યની રાજધાની ગાંધીનગરમાંથી છાસવારે જમીન કૌભાંડ બહાર આવે છે. 600ની વસ્તી ધરાવતું જૂના પહાડિયા નામનું આખે આખું ગામ બારોબાર વેચાઈ ગયું છે. તો પહાડિયા સુજાના મુવાડા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં આવતા જૂના પહાડિયા ગામને બારોબાર વેચાયાનું કાવતરું થયું છે. ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
શું છે સમગ્ર ઘટના?: ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામના બ્લોક સર્વે નંબર 142 (જૂનો સર્વે નંબર 6) હે.આરે. ચોરસ મીટર 1-45-97 વાળી જમીન 1982, 1987 તથા 2003ના વર્ષમાં સ્ટેમ્પ પેપર તથા સાદા લખાણથી બાનાખત કરીને તેમજ 50ના સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી કરારથી હાલમાં વસવાટ કરતા અરજદારોએ વેચાણ રાખી હતી. આ સર્વે નંબર પર જ આખે આખું ગામ વસેલું છે. જે જૂના પહાડિયા તરીકે ઓળખાય છે. ગામમાં રહેતા રહીશોની મિલકતની આકારણી પણ કરવામાં આવી છે. ગામમાં પાણીનો બોર પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યો છે. તલાટી અને સરપંચ દ્વારા રહીશોને દાખલા પણ આપવામાં આવ્યા છે. મકાનોના વેરાઓ પણ ગ્રામજનો ભરી રહ્યાં છે. આ જગ્યા પર ઈન્દિરા આવાસ સહિતની વિવિધ યોજનાઓ હેઠળ મકાન પણ ફાળવવામાં આવ્યા હતા. ગામમાં આરસીસી રોડ પર બનાવવામાં આવ્યો છે.
ગ્રામ્યજનો પર આભ તૂટી પડ્યુંઃ થોડા દિવસ પહેલા આખા ગામની જમીનનો દસ્તાવેજ થઈ ગયો હતો. ગ્રામજનોને સમગ્ર ઘટનાની જાણ થતા તેઓના માથે આભ ફાટ્યું હતું. વેચાણ દસ્તાવેજના આધારે રેકોર્ડમાં કાચી નોંધ પડતા આ સમગ્ર ભાંડો ફૂટયો હતો. ત્યારે અહીં 50થી વધુ વર્ષથી વસવાટ કરતા ગ્રામજનો હાલ ચિંતિત છે. અને હવે ગ્રામજનો માટે જાયે તો જાયે કહાં જેવી પરિસ્થિતિનો ઘાટ સર્જાયો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, ખોટા ફોટા અને ખોટા આંકડા તેમજ નકશા દ્વારા અધિકારીઓની મિલીભગતથી આ દસ્તાવેજ થયો છે.
દસ્તાવેજ ખોટો હોવાનો આક્ષેપઃ અધિકારીઓની મિલીભગતથી થયેલ આ દસ્તાવેજ ખોટો હોવાથી રદ કરવાની પણ માગ ગ્રામજનો કરી રહ્યાં છે. સમગ્ર મામલો બહાર આવતા ગ્રામજનો મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી ન્યાયની માગ કરી છે. ગ્રામજનોએ વાંધા અરજી રજૂ કરીને ગ્રામજનો ઘર વિહોણા ના બને તે માટે રેકોર્ડમાં પહેલી વેચાણ નોંધને ડિસ્પ્યૂટમાં દાખલ કરીને તાત્કાલિક ન્યાય અપાવવા પણ માંગ કરાઈ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે, આ ગ્રામજનોને ન્યાય મળશે કે પછી વર્ષોથી રહેતા પોતાના બાપ-દાદાની જમીન માટે ઝઝૂમતા રહેશે. આ મામલાની જ્યારથી જાણ થઈ કે ત્યારથી ગ્રામજનો દોડતા થયા છે. મામલતદારને આવેદનપત્ર આપીને તપાસની માગ કરાઈ છે. ગામની મહિલાઓ તંત્ર સામે ન્યાય માટે ગુહાર લગાવી રહી છે. જે સર્વે નંબરની વેચાણ નોંધ પડી છે તેની સામે પ્રાંત અધિકારી કચેરીમાં વાંધા અરજી પણ રજૂ કરવામાં આવી છે.
સરકાર સફાળી જાગીઃ દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામનો દસ્તાવેજ કરીને બારોબાર આખે આખું વેચી નાખવાના મામલે સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ સરકારે સફાળા જાગીને આ દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ આ મામલે ગેરકાયદે રીતે જમીન વેચનારા અને જમીન ખરીદનારા જસદણના શખસ સહિત આઠ લોકો સામે ગુનાઇત ષડયંત્ર રચવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. અત્યાર સુધી જમીન મકાનના બરોબર દસ્તાવેજના કૌભાંડો બહાર આવતા હતા, પરંતુ આ વખતે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જૂના પહાડિયા નામના આખા ગામનો જ વેચાણ દસ્તાવેજ થઈ જતા અધિકારીઓ પણ હેબતાઈ ગયા છે. આ મામલે ગ્રામજનોએ દહેગામ મામલદાર કચેરીમાં જઇ વિરોધ પ્રદર્શન કરતાં પ્રાંત અધિકારીઓ સહિત જૂના પહાડિયા ગામ પહોંચ્યા હતા. ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે આ મામલે દસ્તાવેજ કરી આપનારા કહેવાતા જમીન માલિકો અને જમીન ખરીદનારા જસદણના ખેડૂત સામે ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો.
સબ રજિસ્ટ્રારે નોંધાવી ફરિયાદઃ દહેગામ સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા વિશાલ મણિભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી કે, જૂના પહાડિયા સીમના નવા સર્વે નંબર 142, જૂનો સર્વે નંબર 106નો વેચાણ દસ્તાવેજ તેમની કચેરીમાં 13મી જૂનના રોજ આવ્યો હતો. ત્યાર પછી રૂબરૂમાં આ જમીનનો દસ્તાવેજ કરાયો હતો. જો કે આરોપીઓએ આ ગામમાં 80 જેટલા મકાનો હોવા છતાં તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો અને તેના ફોટા પણ બતાવ્યા ન હતા. સર્વે નંબરના આધારે ખુલ્લી જમીનના ફોટા રજૂ કરી પ્રક્રિયા પૂરી કરી દેવાઈ હતી, જેના પગલે રખિયાલ પોલીસ મથકમાં આઠ વ્યક્તિ સામે ગુનાઇત ષડયંત્ર તેમજ નોંધણીકરણની અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. જેને લઈ હવે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. એક જ સર્વે નંબર ઉપર વસેલા દહેગામના જૂના પહાડિયા ગામને વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. આ મામલે હાલ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે, પરંતુ તેનાથી ગ્રામજનોની સમસ્યાનો અંત આવતો નથી. તેથી હવે આગામી સમયમાં આ ગામનો વેચાણ દસ્તાવેજ રદ કરવાની પણ જિલ્લા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાશે તેમ લાગી રહ્યું છે.
કોની સામે નોંધાયો ગુનો?: જૂના પહાડિયા ગામના એક જ સર્વે નંબરના મૂળ માલિકના વારસદારો દ્વારા ગામને બારોબાર દસ્તાવેજ કરાવી દેવામાં આવ્યો હતો. ત્યારે પચાસ વર્ષથી અહીં રહેતા અને ગ્રામ પંચાયતને વેરો ભરતા નાગરિકોના મકાન મામલે હવે રેવન્યૂ રેકોર્ડમાં નોંધ કરવાની માંગણી ઉઠી છે. એટલું જ નહીં, આ સર્વે નંબરનાં દસ્તાવેજ રદ કર્યા બાદ તે સર્વે નંબરમાં ગામના મકાનનો ઉલ્લેખ કરી જગ્યા પ્રમાણે ફાળવી આપવાની પણ માંગણી કરાઈ છે. દહેગામના જૂના પહાડિયા ગામનો વેચાણ દસ્તાવેજ કરી દેનાર પહાડિયા ગામના કાંતાબેન ભીખાજી ઝાલા, કોકિલાબેન ભીખાજી ઝાલા, વિનોદકુમાર ભીખાજી ઝાલા, પલીબેન જશુજી ઝાલા, જયેન્દ્રકુમાર જશુજી ઝાલા, નેહાબેન જસુજી ઝાલા, એક સગીરા તેમજ જમીન ખરીદનારા રાજકોટના જસદણના અલ્પેશ લાલજી હિરપરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જમીન માલિકના વારસદારોને લાલચ જાગીઃ ગાંધીનગરમાં જમીનની વધતી કિંમતો હવે જમીન કૌભાંડ અને જમીન કૌભાંડ કરતાં લોકોની સંખ્યા વધારી રહી છે. જેની લાલચમાં હવે ગાંધીનગરના દહેગામના જૂના પહાડિયા ગામના અમુક લોકો એ આખા ગામનો સોદો કરી નાખ્યો હતો. આ લોકોએ ધ્વારા ગામ વેચી દેવાનું હોવાની ઘટના બાદ આજે ગાંધીનગર LCB- લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધડપકડ કરી છે. ગુનો રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો છે. જેમાં જૂના પહાડિયા ગામ તે ગામની જગ્યા વેચી મારવાનો ગુનો દાખલ થયેલો. જેમાં દહેગામના સબ રજિસ્ટ્રાર મારફતે ફરિયાદ દાખલ થઈ હતી. આ જમીન વારસદારોમાં ત્રીજી પેઢીના અને ખરીદનાર આરોપીઓ ભેગા મળીને જે જગ્યાએ ગામ વસેલું છે એના કરતાં તદ્દન અલગ જગ્યાના ફોટા રજૂ કરી કૌભાંડ કરેલું છે. બે આરોપીઓ ઝડપાયા બાદ થયાં અનેક મોટા ખુલાસા મોટા ખુલાસા થયા છે. જમીન વેચનારને માત્ર 50 લાખ જ મળ્યા છે. આરોપીઓને 5 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયા છે.
જૂના પહાડિયા સીમના નવા સર્વે નંબર 142, જૂનો સર્વે નંબર 106નો વેચાણ દસ્તાવેજ તેમની કચેરીમાં 13મી જૂનના રોજ આવ્યો હતો. ત્યાર પછી રૂબરૂમાં આ જમીનનો દસ્તાવેજ કરાયો હતો. જો કે આરોપીઓએ આ ગામમાં 80 જેટલા મકાનો હોવા છતાં તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો અને તેના ફોટા પણ બતાવ્યા ન હતા. સર્વે નંબરના આધારે ખુલ્લી જમીનના ફોટા રજૂ કરી પ્રક્રિયા પૂરી કરી દેવાઈ હતી, જેના પગલે રખિયાલ પોલીસ મથકમાં આઠ વ્યક્તિ સામે ગુનાઇત ષડયંત્ર તેમજ નોંધણીકરણની અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે...વિશાલ ચૌધરી (સબ રજિસ્ટ્રાર, દહેગામ)
દહેગામ સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા વિશાલ મણિભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે. જેના પગલે રખિયાલ પોલીસ મથકમાં આઠ વ્યક્તિ સામે ગુનાઇત ષડયંત્ર તેમજ નોંધણીકરણની અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. ગાંધીનગર LCB- લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધડપકડ કરી છે...રાજેન્દ્રસિંહ ઝાલા (ગ્રામવાસી, જૂના પહાડિયા, દહેગામ)
એક જ સર્વે નંબર ઉપર વસેલા દહેગામના જૂના પહાડિયા ગામને વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. આ મામલે હાલ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે, પરંતુ તેનાથી ગ્રામજનોની સમસ્યાનો અંત આવતો નથી. તેથી હવે આગામી સમયમાં આ ગામનો વેચાણ દસ્તાવેજ રદ કરવાની પણ જિલ્લા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાશે તેમ લાગી રહ્યું છે...શ્રવણસિંહ મકવાણા (સરપંચ, જૂના પહાડિયા, દહેગામ)