ગાંધીનગરઃ મુંબઈની હોર્ડિંગ્સ દુર્ઘટનાથી બોધપાઠ લઈને ગાંધીનગર મહા નગર પાલિકાએ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ લગાડવામાં આવેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી શરૂ કરી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કુલ 227 જોખમી અને નડતરરૂપ હોર્ડિંગ્સ તથા ફ્લેક્સ બેનર્સ હટાવવામાં આવ્યા છે.
1000થી વધુ ફ્લેક્સ બેનર્સ હટાવાયાઃ ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે. ગાંધીનગરનું પ્રતિનિધિત્વ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કરી રહ્યા છે. આવા સમયે ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાંથી 1000થી વધુ નાના-મોટા ફ્લેક્સ બેનર હટાવવામાં આવ્યા છે. ગાંધીનગર મનપા પાસે હાલમાં હોર્ડિંગ્સ અંગે કોઈ પોલિસી નથી. હવે મનપા શહેરમાં હોર્ડિંગ્સ અંગે પોલીસી બનાવશે.
2500થી વધુ અનઅધિકૃત હોર્ડિંગ્સઃ ગાંધીનગર મનપા સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર મહા નગર પાલિકામાં આઉટડોર એડવર્ટાઈઝિંગ માટે પોલિસી બનાવવાની કામગીરી ચાલી રહી છે. ભૂતકાળમાં ગુડા વિસ્તારમાં 51 જેટલા હોર્ડિંગ્સ ખાનગી પબ્લિસિટી એજન્સીને આપવામાં આવ્યા હતા. જેની મુદત માર્ચ 2025 માં મહિનામાં પૂર્ણ થવામાં છે. ગાંધીનગર મનપા દ્વારા 50 જેટલા હોર્ડિંગ્સ ખાનગી એજન્સીને આપવામાં આવ્યા છે. જેની મુદત ઓક્ટોબર 2024 માં પૂર્ણ થશે. ગાંધીનગર મનપાએ 87 અને આર એન ડી ડિપાર્ટમેન્ટના 20થી 22 હોર્ડિંગ્સ મનપા વિસ્તારમાં છે. કુલ 210 જેટલા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. લગભગ 228 જેટલા હોદ્દીન ખાનગી એજન્સીઓ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. તે ઉપરાંત 2500થી વધુ અનઅધિકૃત હોર્ડિંગ્સ ગાંધીનગરમાં લાગેલા છે. આ તમામ અનઅધિકૃત હોલ્ડિંગ હટાવવાની કામગીરી ગાંધીનગર મનપા દ્વારા બે દિવસમાં શરૂ કરવામાં આવી છે. 2 દિવસમાં 225થી વધુ હોર્ડિંગ્સ હટાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં તમામ અનઅધિકૃત હોડિંગ દૂર કરવામાં આવશે. આગામી ચોમાસા દરમિયાન રસ્તા પર કોઈ અકસ્માત અને વાહન ચાલકોને કોઈ નડતર ન થાય તેવા શુભ આશય છે.
એસ્ટેટ શાખા એક્શનમોડમાંઃ ગાંધીનગર એસ્ટેટ અધિકારી હાર્દિક ટીલવાણીએ જણાવ્યું કે શહેરમાં પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત ગાંધીનગર મનપાની એસ્ટેટ શાખા દ્વારા કુલ 227 જોખમી અને નડતરરૂપ હોર્ડિંગ્સ તથા ફ્લેક્સ બેનરો હટાવવામાં આવ્યા છે. 1000થી વધુ નાના-મોટા ફ્લેક્સ બેનર હટાવવામાં આવ્યા છે. ટ્રાફિકને અડચણરૂપ બેનર્સ અને હોર્ડિંગ્સ પણ હટાવવામાં આવ્યા છે. આ પ્રકારની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.
હોર્ડિંગ્સ પોલિસી જ નથીઃ સ્માર્ટ સિટી ગાંધીનગર મનપા હોર્ડિંગ્સ પોલિસી બનાવવાનું ભૂલી ગઈ. સ્માર્ટ સિટીના બણગાં ફૂકતા ભાજપ શાસકો પાસે ગાંધીનગર શહેરમાં હોર્ડિંગ્સ અંગેની પોલીસી બનાવવાનો સમય નથી. ગાંધીનગર મહા નગર પાલિકા બન્યાને વર્ષોના વ્હાણાં વીતી ગયા છતાં હજી સુધી અંગે કોઈ ચોક્કસ પોલિસી નથી. હાલમાં હોર્ડિંગ્સ પોલીસી બનાવવાનું ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.