નવસારી: જિલ્લાના કાંગવઈ ગામે રહેણાંક મકાનમાં આયુર્વેદિક દવામાં ભેળસેળ કરી વિતરણ કરવામાં આવતી હોવાની ફરિયાદના પોલીસને મળી હતી. આ વિગતોના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ગાંધીનગર સહિતની ટીમે જેતે સ્થળે છાપો માર્યો હતો. જેમાં આયુર્વેદિક દવાઓ સાથે મોટા પ્રમાણમાં એલોપેથી દવાઓ પણ મળી આવી હતી. જોકે સમગ્ર મુદ્દે હાલ અધિકારીઓએ કોઈ પણ વિગત આપવાનું ટાળ્યું છે.
શું છે સમગ્ર મામલો: નવસારીના ચીખલી તાલુકાના કાંગવઈ ગામે ઇમરાન મોલધરીયા નવજીવન ઉપચાર કેન્દ્રના નામે આયુર્વેદિક દવાઓ સાથે ડાયાબેટિક સ્પેશિયાલિસ્ટ તરીકે દવાઓ આપે છે. જેની સાથે નજીકમાં જ આવેલા ઈસ્માઈલ મોલધરીયા આશા ચેરીટેબલ ટ્રસ્ટ થકી દવાનો વ્યવસાય કરે છે. મળતી માહિતી પ્રમાણે જાણવા મળે છે કે આ વ્યતિઓ દ્વારા રજીસ્ટ્રેશન વગર આ દવાઓનું વિતરણ કરવામાં આવે છે.
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દવાઓનો જથ્થો સીઝ કર્યો: આ બંને જગ્યાઓએ દવામાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદ મળતા ગાંધીનગર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે નવસારી, વલસાડ અને સુરતની ટીમ જોડાઈ હતી અને બપોરના સમયે ઇસ્માઈલ માલધરીયા અને ઇમરાન મોલધરીયાના ઘરે રેડ પાડી હતી. જેમાં ઇમરાન મોલધરીયાના ઘરે નવજીવન ઉપચાર કેન્દ્રમાં દવાઓ આપવામાં આવતી હતી જ્યાંથી આયુર્વેદિક દવાઓ સાથે એલોપથી દવાઓનો જથ્થો મળી આવતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દવાઓનો જથ્થો સીઝ કર્યો હતો.


ઘરમાં અંદાજે 400 શ્વાન પાળવામાં આવ્યા: ઉપરાંત કોમ્પ્યુટર પ્રિન્ટર સહિતનો પણ મુદ્દામાલ કબજે લીધો છે. અહીં ચોંકાવનારી વિગત એ મળી છે કે, ઈસ્માઈલ મોલધરિયાના ઘરે 5 કલાક બાદ દરવાજો ખોલવામાં આવ્યો હતો. ઘરમાં અંદાજે 400 શ્વાન પાળવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. અધિકારીઓને દરવાજો ખોલાવતા પરસેવો પડ્યો હતો. દરવાજો ખોલતાં ઘરના તમામ માળ ઉપર શ્વાન જોવા મળ્યા હતા. શ્વાન હોવાના કારણે ખરાબ ગંધને કારણે અધિકારીઓને ઘરમાં પ્રવેશવામાં પણ મુશ્કેલી જણાઇ હતી. જોકે અધિકારીઓએ અહીંથી પણ થોડી દવાઓનો જથ્થો કબજે કર્યો છે.


દવામાં ભેળસેળ થાય છે કે કેમ? હાલ સમગ્ર મુદ્દે અધિકારીઓની ટીમે કંઈપણ કહેવાનું ટાળ્યું છે. જોકે ઉચ્ચકક્ષાએ આનો રિપોર્ટ કરવામાં આવશે તેવી વાત કરી હતી. ત્યારબાદ કેટલી દવાનો જથ્થો કબજે લેવાયો છે? દવામાં ભેળસેળ થાય છે કે કેમ? આયુર્વેદિક દવામાં એલોપથી દવાઓનું મિશ્રણ છે કે કેમ? આ તમામ પાસા ઉપર તપાસ હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રેડ બાદ મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ દવાઓ બનાવવાનું રેકેટ પણ પકડાય એવી શક્યતા વધુ પ્રબળ બની છે.


આ પણ વાંચો: