સાબરકાંઠા: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 લોકોનો ભોગ લેવાયો છે ત્યારે ગુજરાતના બીજા શહેરોમાં ચાલતા ગેમ ઝોન મામલે તપાસની શરૂઆત થઇ છે. ત્યારે હિંમતનગરમાં આવેલા ઇકિગાઈ નામના ગેમ ઝોનમાં ફાયર વિભાગની કોઈપણ પ્રકારની સુવિધા ન મળતા ફાયર વિભાગ અને રેવન્યુ વિભાગની ટીમ દ્વારા ઇકિગાઈ ગેમ ઝોનને સીલ કરવામાં આવી છે.
ગેમ ઝોન વિરુદ્ધ કાર્યવાહી: હિંમતનગરમાં બેરણા રોડ પર આવેલ ઇકિગાઈ નામના ગેમ ઝોનમાં ફાયર વિભાગે તપાસ હાથ ધરી હતી. આ ગેમ ઝોનમાં ફાયરની કોઈપણ સુવિધા ન હતી અને એનઓસી પણ ન હોવાનું તંત્રને ધ્યાને આવતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગ તેમજ રેવન્યુ વિભાગ દ્વારા સીલ મારીને તજવીજ હાથ ધરવામાં આવી છે. આજે સ્થાનિક અધિકારીઓ દ્વારા તપાસ કર્યા બાદ ઇકિગાઈ કિડ્સ ઝોનને બંધ કરાયું છે.
રાજ્ય સરકારને પગલા લેવાની તાકીદ: રાજ્ય સરકારને આ મામલે લેખિત અરજીમાં આગામી સમયમાં યોગ્ય પગલાં લેવાની તાકીદ કરાઈ છે. જો કે સમગ્ર ગુજરાતમાં વિવિધ કિડ્સ ઝોન સહિત આનંદ મેળા અને અન્ય જાહેર જગ્યાઓ ઉપર પણ હાલમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે, જોકે એક તરફ રાજકોટમાં 28 લોકોના મોત થયા બાદ હવે તંત્ર જાગૃત અવસ્થામાં દેખાય છે. કોઈપણ પ્રકારની સુવિધા વગર NOC અને ફાયર સેફ્ટી વિના ચાલી રહેલા ગેમ ઝોનો સામે જવાબદાર અધિકારીઓ સામે ક્યારે પગલાં લેવાશે? તેવો પ્રશ્ન ઉભો થાય છે. આગામી સમયમાં તંત્ર દ્વારા ઉગ્ર પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.