સુરત: કામરેજની કેળા મંડળી સાથે નવસારીનાં એગ્રીફુડ્સ કંપનીનાં માલિકે કેળાનો માલ ખરીદી 2 કરોડ 65 લાખ 22 હજાર નહીં આપતા મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો. કામરેજ પોલીસે નવસારીનાં દેસાઈ બંધુ વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી. પોલીસે કંપનીના ડાયરેક્ટર, કંપનીના સીઇઓ વિરુઘ્ધ કાર્યવાહી કરી હતી.
નવસારીના દેસાઇ બંધુએ છેતરપિંડી કરી: કામરેજ ખાતે આવેલ ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન કામરેજ કેળા મંડળીમાંથી કેળાનો જથ્થાબંધ માલ લઇને 2 કરોડ 65 લાખ 22 હજાર જેટલી રકમ નહીં ચૂકવતા મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે નવસારીનાં દેસાઇ બંધુ વિરૂધ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધતા ચકચાર મચી ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ ખાતે આવેલ ધી કામરેજ વિભાગ કો.ઓ. ફ્રુટ એન્ડ વેજીટેબલ્સ ગ્રોવર્સ સોસાયટી લી. અને સભાસદ ખેડૂતોમાં કામરેજ કેળા મંડળી તરીકે ઓળખાતી ઉપરોક્ત કેળા મંડળીમાં કામરેજ તાલુકા આસપાસનાં ખેડૂતો ખેતરોમાં કેળાનું ઉત્પાદન કરી કેળા મંડળીમાં માલ આપી જે માલ કેળા મંડળી દ્વારા ભેગો કરી જથ્થાબંધ અલગ અલગ વિસ્તારમાં વેચાણ તેમજ ફર્ટીલાઇઝનું કામ કરે છે.
દેસાઇ એગ્રીફુડ્સ પ્રા.લીએ કેળાનો માલ ખરીદ્યો: નવસારી આમદપોર ખાતે આવેલ દેસાઇ એગ્રીફુડ્સ પ્રા.લી. નામની કંપની દ્વારા કેળા મંડળીમાં 2008 થી 2023 સુધી કેળાના જથ્થાબંધ માલ ખરીદ કરી હતી. જે કેળાનાં માલ પેટે કેળા મંડળીએ ઉપરોક્ત કંપની પાસેથી 2 કરોડ 65 લાખ 22 હજાર 573 રૂપિયા કેળા મંડળીએ લેવાનાં નિકળતા હતા. એગ્રીફુડ્સ પ્રા.લી. કંપનીનાં વહિવટકર્તા અજીતકુમાર જ્યંતિલાલ દેસાઇ, કંપનીનાં ડાયરેક્ટર અનુપ કારવા, અને કંપનીનાં સીઇઓ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર પ્રદીપ.જી.હિરાચંદાની પાસે વારંવાર કંપનીમાં રૂબરૂ જઇને તેમજ ફોન પર સંપર્ક કરીને નીકળતા નાણાંની માંગણી કરી હતી.
પોલીસે કંપનીના વહીવટકર્તાઓ સામે ગુનો દાખલ કર્યો: કેળાના વેચાણથી લીધેલ માલ પેટેની આપવાની બાકી રકમનો કન્ફર્મેશન લેટર કંપનીનાં ડાયરેક્ટર અનુપ કારવા દ્વારા ગત.13 જૂલાઇ 2023નાં રોજ ઇ-મેઇલ મારફતે મંડળીને મોકલ્યું હતું ત્યાર બાદ ઈ-મેઇલ મારફતે મંડળીને મોકલેલ હોય તોપણ ઉપરોક્ત રકમ કેળા મંડળી દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતા કંપની દ્વારા નહીં ચુકવતા અંતે કેળા મંડળીનાં મેનેજર પરેશ પટેલે કામરેજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદ મળતા જ હરકતમાં આવેલી કામરેજ પોલીસે નવસારી દેસાઇ એગ્રીફુડ્સ પ્રા.લી.નાં માલીક અજીતકુમાર જ્યંતિલાલ દેસાઇ, કંપનીનાં ડાયરેક્ટર અનુપ કારવા દેસાઇ, અને કંપનીનાં સીઇઓ ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર પ્રદીપ.જી.હિરાચંદાની વિરૂધ કામરેજ પોલીસે 409, 406, 420, 120 મુજબ છેતરપિંડી તેમજ વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.