જામનગર : એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરતા અરેરાટી મચી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ધારાગઢ ગામ નજીકના ફાટક પાસે જ જામનગરના માધવબાગ-1 માં રહેતા અને બ્રાસપાટના વ્યવસાય સાથે સંકળાયેલા ધુંવા પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને બુધવારે સામૂહિક આત્મહત્યા કરી હતી.
જામનગરમાં સામૂહિક આત્મહત્યા : આ અંગેની જાણ થતા જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. બાદમાં મૃતકોના પરિવારજનોને જાણ કરાઈ હતી. જામનગર ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં તમામ મૃતકોના પેનલ પીએમ કરવામાં આવ્યા હતા. બાદમાં મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. તેમના નિવાસસ્થાન માધવબાગમાંથી અંતિમયાત્રા નીકળી હતી. એકસાથે ચાર અર્થીઓ નીકળતા શોક મગ્ન માહોલ બન્યો હતો.
આપઘાતનું કારણ અકબંધ : આ મૃતકોના મૃતદેહને ભાણવડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી પણ પૂર્ણ કરી ચારેય વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જામનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, જામનગરના સમગ્ર પરિવારે એક સાથે કયા કારણોસર ઝેરી દવા પી સામૂહિક આપઘાત કર્યો તે અંગે રહસ્ય અકબંધ છે.
એકસાથે અર્થીઓ ઉઠી : ચકચારી સામૂહિક આપઘાતના બનાવની જાણ થતા મૃતકના પરિવારજનો તેમજ સગા-સંબંધીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ચારેય મૃતક જામનગરના માધવબાગ-1 માં રહેતા હોવાનું સામે આવ્યું છે. જામનગરના ઉદ્યોગનગરમાં બ્રાસપાટના વ્યવસાય સાથે સંકળાયેલ એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરતા શોકની લાગણી છવાઈ ગઈ છે.
ધુવા પરિવાર : ધુવા પરિવારના અશોકભાઈ ધુવા, તેમની પત્ની લીલુ ધુવા, દીકરો જીગ્નેશ ધુવા અને દીકરી કિંજલ ધુવાએ આત્મહત્યા કરી હતી. પરિવારના 4 સભ્યોએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. ચારેયના મૃતદેહને જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાતા મૃતકના પરિવારજનો અને સ્નેહીઓ પણ હોસ્પિટલ દોડી ગયા છે.