ગાંધીનગર : જનસંખ્યાની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશનો 24 જાન્યુઆરી સ્થાપના દિવસ છે. ઉપરાંત મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજ્યનો સ્થાપના દિવસ 21 જાન્યુઆરીના રોજ હતો. આગામી 26 જાન્યુઆરીના રોજ ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ તથા દીવનો સ્થાપના દિવસ છે. બે-બે દિવસના અંતરે આવતા આ તમામ પ્રદેશોના સ્થાપના દિવસની સંયુક્ત ઉજવણી ગાંધીનગરના રાજભવનમાં કરવામાં આવી હતી.
રાજભવનમાં ભવ્ય આયોજન : ઉત્તરપ્રદેશ, મણિપુર, મેઘાલય અને ત્રિપુરા રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી, દમણ તથા દીવના સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં વસતા ઉત્તરપ્રદેશ, દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મણિપુર તથા દમણ અને દીવના નાગરિકોએ પોતાના રાજ્યોના નૃત્ય અને ગીતો પ્રસ્તુત કર્યા હતા. તમામ રાજ્યોના નાગરિકોએ નૃત્ય પ્રસ્તુતિ મન ભરીને માણી હતી. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સૌ કલાકારોનું સન્માન કર્યું હતું. તમામ રાજ્યોના ગુજરાતમાં વસતા નાગરિકોના પ્રતિનિધિઓએ પોતાના રાજ્યના સ્થાપના દિવસની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ભારત એક પરિવાર : ગાંધીનગરના રાજભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં ઉપસ્થિત મહેમાનો અને પ્રેક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સંબોધતા કહ્યું હતું કે, રાજ્યના તમામ રાજભવનમાં તમામ રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે થઈ રહેલી ઉજવણીમાં વિવિધ પ્રદેશોના નાગરિકો ભેગા થઈ રહ્યા છે. તેઓ એકબીજાની નજીક આવી સંગઠિત થઈ રહ્યા છે. બધા ભારતીયો એક પરિવારના સભ્ય છે, આ દેશ આપણા સૌનો છે. એવી લાગણી વધુ સુદ્રઢ બની રહી છે.
નવા યુગની નવી ચેતના : ઉત્તર પ્રદેશના નાગરિકોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલે કહ્યું હતું કે, ભગવાન શ્રીરામની જન્મભૂમિના રાજ્યમાં વસતા સૌ નાગરિકોને રામ જન્મભૂમિ મંદિર નિર્માણ અને શ્રીરામ લલ્લાની પ્રતિષ્ઠાની શુભેચ્છાઓ. ઉત્તરપ્રદેશ આધ્યાત્મિકતાનો પ્રદેશ છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ આ રાજ્યમાં જ જન્મ લીધો તથા ગંગા-યમુના-સરસ્વતી જેવી મહાન પવિત્ર નદીઓ આ રાજ્યમાં વહે છે. ઉત્તરપ્રદેશમાં શ્રી રામ મંદિરની સ્થાપનાથી પીએમ મોદીએ નવા યુગમાં નવી ચેતનાનો સંચાર કર્યો છે. ચૌ દિશામાં ભારતનો વિકાસ થઈ રહ્યો છે. ભારત આત્મનિર્ભર થઈ રહ્યું છે, ત્યારે યુવાનોને વિકસિત ભારત માટે યોગદાન આપવા અપીલ કરું છું.
વિવિધતામાં એકતા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વધુમાં કહ્યું હતું કે, ભારત સુંદર દેશ છે. અહીં દર સાત કિલોમીટરે ભાષા, ભોજન, વેશભૂષા અને જીવનચર્યા બદલાઈ જાય છે. આપણી વિવિધતામાં પણ એકતા છે. ભારતનું લોકજીવન રંગીલું છે. દુનિયાના વિકસિત કહેવાય છે એવા દેશોમાં ડિપ્રેશનનું પ્રમાણ ઘણું છે. લોકોના જીવન નિરાશાથી ભરપૂર છે. પણ ભારતના નાગરિકોમાં અભાવને પણ આશીર્વાદમાં બદલવાની સમર્થતા છે. અહીંયા ગરીબ-શ્રમિક પણ દિવસભર મહેનત કરીને રાત્રે પોતાની ઝૂંપડીમાં ગીત સંગીતના સથવારે આનંદ અને સુખ મેળવી લે છે.
ભારતનું સૂત્ર "એકતા" : આચાર્ય દેવવ્રતે વધુમાં કહ્યું હતું કે, ભારતે ક્યારેય પોતાના સૈનિકોને કોઈ ભૂખંડ જીતવા નથી મોકલ્યા. ઇતિહાસ સાક્ષી છે કે, ભારતે પોતાના ધર્મગુરુઓ, સંતોને દુનિયાના મન અને આત્મા જીતવા, દુનિયાના સુખ અને આનંદની વૃદ્ધિ માટે મોકલ્યા છે. ભારતે હંમેશા સૌ સુખી થાય, સૌ નિરોગી રહે, સૌનું કલ્યાણ થાય એવી જ વિભાવના રાખી છે. સુખેથી જીવવાનું એક જ સૂત્ર છે એકતા, જ્યાં એકતા છે ત્યાં જ સુખનો અને આનંદનો વાસ છે. એક ભારતના શ્રેષ્ઠ નાગરિકો પોતપોતાના ક્ષેત્રમાં પૂરી કર્તવ્યનિષ્ઠાથી, સમર્પણની ભાવનાથી કામ કરીએ અને જવાબદાર નાગરિક બનીએ તો આપણું ભારત વિકસિત ભારત બનશે.