ગાંધીનગર: લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પક્ષ જોડતોડની રાજનીતિમાં લાગી ગયા છે. સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં આવતા ધંધુકા તાલુકાના કોંગ્રેસ નેતાઓ આજે ભાજપમાં જોડાયા હતા. તેમને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખેસ અને ટોપી પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા.
ભાજપમાં ભરતી મેળો યથાવત: ભાજપમાં ભરતી મેળો યથાવત રહ્યો છે. ધંધુકા કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસ અને આપના 50 જેટલા આગેવાનો ભાજપમાં જોડાયા છે. જિલ્લા પંચાયતના સભ્ય નરેશભાઈ ખસિયા, તાલુકા સદસ્ય હરિભાઈ સરવૈયા, વિલાસબેન મેર અને રાજુબેન બારૈયા ભાજપમાં જોડાયા છે. તે ઉપરાંત કોંગ્રેસના વાસુદેવસિંહ ચુડાસમા, પીન્ટુકુમાર જોશી, દુલાભાઈ વાઘાણી, ઈશ્વરભાઈ મગરોલા, રસિક સરવૈયા સહિતના કાર્યકરોએ કેસરિયા કર્યો હતો.
કનુ દેસાઇના વિવાદિત નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ: વલસાડમાં મંત્રી કનુ દેસાઇના કોળી પટેલ પરના વિવાદિત નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે. કનુભાઇ દેસાઇ જો માફી નહીં માગે તો કોંગ્રેસે રસ્તા પર ઉતરવાની ચીમકી આપી છે. કોળી સમાજ વિશે કનુ દેસાઇએ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ કોંગ્રેસ આકરાપાણીએ જોવા મળી રહી છે. તો થોડા દિવસ અગાઉ નાણામંત્રી કનુ દેસાઇએ ચૂંટણી પ્રચાર દરમિયાન કોળી સમાજને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું. કનુ દેસાઈએ કહ્યુ હતુ કે કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય. આ નિવેદન બાદ વિવાદ થયો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓ બેફામ વાણીવિલાસ કરતા હોય છે. કનુ દેસાઈએ કોળી જ્ઞાતિનું અપમાન કર્યુ હોવાનો શક્તિસિંહે આક્ષેપ કર્યો અને ભાજપના નેતાઓ પણ મૌન બની ખેલ જોતા રહે છે.
કોંગ્રેસનુ કામ જ વિરોધ કરવાનું: કેબિનેટ મંત્રી કનું દેસાઈ કરેલા કોળી સમાજના ટિપ્પણી મુદ્દે ભાજપનાં પૂર્વ રાજ્યસભા સાંસદ શકર વેગદનું નિવેદન આવ્યું છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસનુ કામ જ વિરોધ કરવાનું છે. કોંગ્રેસના નેતાઓએ રાજવીઓ વિરુદ્ધ ટિપ્પણી કરનાર રાહુલ ગાંધી કે ઉમેશ મકવાણાને કેમ ન કહ્યું માફી માંગવી જોઈએ? કનુ દેસાઈએ માફી માંગવી કે નહીં તેનો નિર્ણય પક્ષ કરશે.