ગાંધીનગર: જોઈતાભાઈ પટેલ ઉત્તર ગુજરાતનો એક મોટો ચહેરો છે. તેઓ ત્રણ ટર્મ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. એક વખત લોકસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. ઉત્તર ગુજરાતમાં અનેક સહકારી સંસ્થાઓ અને સહકારી બેન્કો સાથે જોડાયેલા છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાયા હતા. ત્યારે વધુ એક દિગ્જજ નેતા જોઈતાભાઈ પટેલે કેસરિયો ધારણ કર્યો છે. જાણો આ મામલે જોઈતાભાઈ પટેલનું શું કહેવું છે...
કોંગ્રેસે રામ મંદિરના ઉદઘાટન પ્રસંગની અંદર હાજરી આપવી જોઈતી હતી. કોંગ્રેસે ગેરહાજર રહીને મોટે ભૂલ કરે છે. આખો દેશ રામમય છે. અમારો આખો વિસ્તાર રામભક્ત હોવાના કારણે મેેં કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસ તરફથી મને મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ નેતાઓના કોલ આવ્યા હતા પરંતુ. મેં કોલ ઉઠાવ્યા ન હતા. - જોઈતાભાઈ પટેલ
બનારસથી પાર પાડ્યો સમગ્ર ખેલ: બનાસકાંઠાથી કોંગ્રેસે વાવના લડાયક ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. ગેનીબેન ઠાકોરની સભામાં મેદની ઉમટી રહી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી રેખાબેન ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. ગેનીબેન મજબૂત ઉમેદવાર હોવાથી જોઈતાભાઈને ભાજપમાં જોડવામાં આવ્યા છે. જોઈતાભાઈએ પ્રત્યુતર આપતા જણાવ્યું કે એવું કશું નથી. જ્યારે ચૂંટણીની જાહેરાત નહોતી થઈ અને ઉમેદવારો પણ જાહેર ન થયા હતા ત્યારે અમારૂ ભાજપમાં જવાનું નક્કી થયું હતું. બનારસમાં બનાસ ડેરી સંકુલનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું. ત્યાં નરેન્દ્ર મોદી આવ્યા હતા. ત્યારે નરેન્દ્ર ભાઈ સાથે મુલાકાત થઈ હતી. મેં મોદીને કહ્યું હતું કે અમે તમારા ચાહક છીએ. ભગવાન રામમાં અમે શ્રદ્ધા ધરાવીએ છીએ. તે વખતે જ ભાજપમાં પ્રવેશની અમે વાત કરી હતી. અમારો ફોટો પણ નરેન્દ્ર મોદી સાથે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
બનાસકાંઠામાં પાણીની સમસ્યા અંગે જોઈતા ભાઈ પટેલે જણાવ્યું કે પાણીની સમસ્યા અંગે અમે રજૂઆત કરશું. ધાનેરા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે સરકારે જુદા જુદા પ્રકારની કામગીરી શરૂ કરી છે. જોઈતા ભાઈ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે ઉત્તર ગુજરાતની બનાસકાંઠા અને પાટણમાં કોંગ્રેસ લડાયક સ્થિતિમાં છે ત્યારે તેમણે જણાવ્યું કે બંને સીટ ભારતીય જનતા પાર્ટી આસાનીથી જીતશે.